કમોસમી વર્ષા વિપત્તિ .

દે શના વિવિધ રાજ્યોમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિ નુકસાની અને જાનહાનિના આંકડાઓ ઊંચે જઈ રહ્યા છે. કોઈ પણ રોગચાળા અને વાયરલ ઇન્ફેક્શનને આવું કમોસમી વાતાવરણ બહુ પ્રોત્સાહન આપે છે. જો કે આવા ઝંઝાવાતો તો ભારતના વિધવિધ કિનારે આવતા જ રહેવાના છે. આવનારા વરસોમાં દરેક મોસમની અરાજકતાનો સાક્ષાત્કાર હવે ફરજિયાત છે. બહુ વધારે પાણી આવે તો બચવાના સાધનો ઘરમાં જ રાખવા પડશે. પવન અને અગ્નિથી પણ માનવજાતને ભય તો . કારણ કે પ્રકૃતિ સાથે એકમાત્ર ભોગવાદી અભિગમ જ માણસજાતે રાખ્યો છે. કદી પણ પ્રકૃતિ માટે ઉપકારક નીવડવાની ભાવના કેળવી જ નથી એના પરિણામો હવે જોવા મળે છે. દક્ષિણ ભારતે આ વખતે કુદરતના તાંડવનો વારંવાર અનુભવ કરવો પડયો છે.

ગ્લોબલ વાર્મિંગ સંબંધિત ચિંતાઓ માટે પેરિસ જ હવે તો જાણે ગ્લોબલ કેપિટલ બની ગયું છે. પરંતુ ત્યાં અવારનવાર જે વારતાઓ થાય છે તેમાં મહાન રાષ્ટ્રોના વડાઓ ભાગ લઈને જે ડાહી ડાહી વાતો કરે છે તે પૂર્ણત: નિરર્થક છે એમ દુનિયા હવે સમજી ગઈ છે. એટલે પર્યાવરણ સંબંધિત એવી ચર્ચાનો પ્રભાવ શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માણસ જાત આજકાલ ભીંસમાં આવી ગઈ છે એટલે એને વિપદા નિકટ હોય ત્યારે જે સારા વિચારો આવવા જોઈએ એમાં પર્યાવરણ પણ છે એટલે પ્રાકૃતિક સમતુલાની વાતોએ ફરી ઉછાળો માર્યો છે, જે પણ આખરે તો વ્યર્થ જ નીવડવાની સંભાવના છે. ૩૫ સેન્ટિગ્રેડથી વધારાનું ઉષ્ણતામાન મનુષ્યના ચૈતસિક કોષો અને મસ્તિષ્કની સૂક્ષ્મ પ્રણાલિકાને કાયમી ધોરણે નુકસાન કરે છે. વધતા ઉષ્ણતામાનને કારણે કોઈ પણ દેશની બૌદ્ધિક સંપદામાં ઘટાડો થઈ શકે છે. ચકલી અને કબુતર બે એવા પંખીઓ છે જેને ભારે ગરમીમાં ઉડ્ડયન વિના પણ હાંફ ચડી જાય છે અને પછી એકાએક જ તેઓ શ્વાસ ચૂકી જાય છે. કુદરતનું વ્યવસ્થાતંત્ર એવું છે કે જે આજે ઈતર જીવોએ ભોગવવાનું આવે તે જ આવતીકાલના વરસોમાં માનવજાતે વેઠવાનું આવે. ગ્લોબલ વોર્મિંગથી થઈ રહેલા જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લા પચાસ વરસમાં દુનિયાના તમામ દેશોમાં આર્થિક અને સામાજિક ગતિમાં અવરોધ અથવા આશ્ચર્યજનક રીતે પ્ર-ગતિ નોંધાઈ છે.

છેલ્લું વીતેલું ચોમાસુ આડેધડ વરસાદનું હતુ. હવામાન ખાતાની આગાહી એક ઝંઝાવાત માટે હોય અને આવી જાય ત્રણ. સરકાર ક્યારેક ઓરિસ્સા અને બિહારના જળપ્રલયના સમાચારને સરકારી માધ્યમો દ્વારા બ્લેકઆઉટ પણ કરે છે. એ બન્ને રાજ્યોમાં વરસાદે અનેકવાર રીતસર હાહાકાર મચાવ્યો છે. જેની અસરોમાંથી પ્રજાને મુક્ત થતાં બહુ વાર લાગે છે. આપણે ત્યાં બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને આન્ધ્ર પ્રદેશ પર અવાર નવાર વાવાઝોડા લટકતી તલવારની જેમ ઝળુંબતા હોય છે. છેલ્લી અરધી સદીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે શ્રીમંત દેશો વધુ શ્રીમંત થયા છે અને ગરીબ પ્રજા વધુ ગરીબ બની છે.

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધક પ્રાધ્યાપકોની એક ટુકડીએ અખંડ પરિશ્રમથી કરેલા અભ્યાસમાં સપાટી પર આવેલા તારણો એક રીતે વિકાસશીલ અને અવિકસિત દેશો માટે ચેતવણીની નવી ઘંટડી છે. આ સંશોધન કહે છે તે પ્રમાણે વધતા ઉષ્ણતામાનને કારણે ભારતીય અર્થતંત્રને એકત્રીસ ટકા નુકસાન જઈ રહ્યું છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની ભયાનક નકારાત્મક અસરો ભારત પર ન પડી હોત તો આપણું અર્થતંત્ર હજુ તેત્રીસ ટકા વધુ આગળ વધી ગયું હોત. આપણે વિકાસની જે કલ્પના કરીએ છીએ તે તો ક્યારનીય સાકાર થઈ ગઈ હોત. આનો અર્થ એ છે કે આપણે હવે કુદરતનું સંતુલન વેરવિખેર કરવાની આકરી કિંમત ચૂકવવા લાગ્યા છીએ. કોરોના તો એની એક માત્ર પ્રાથમિક શરૂઆત છે. આ માત્ર ઘેરી કરૂણતાનો પ્રથમ અધ્યાય જ છે. આગળના ખતરનાક વળાંક માટે નાછૂટકે સહુએ તૈયાર રહેવાનું છે. દુનિયાના દેશો વચ્ચે વોટર વૉર કે વિવિધ વાયરસ સામે ટકી રહેવા માટે વેક્સિન વૉર શરૂ થવાને ઝાઝાં વરસોની વાર નથી.

નવાઈની વાત એ છે કે ગ્લોબલ વોર્મિંગથી જે ઠંડા દેશોનું ઉષ્ણતામાન વધ્યું છે એને આનો લાભ પણ થયો છે. જેમ કે નોર્વેનું ઉષ્ણતામાન વધીને સામાન્યની નજીક પહોંચી ગયું છે. તો એનો રાષ્ટ્રીય વિકાસ દર ઊંચે ને ઊંચે જવા લાગ્યો છે. એનાથી વિપરીત ભારત જેવા સમશીતોષ્ણ કહેવાતા પણ અનુભવે ખરેખર ઉષ્ણ બની ગયેલા દેશનું તાપમાન વધવાથી આર્થિક વિકાસનો ઘટાડો આપણે ભોગવવાનો આવ્યો છે. વધતા જતા ઉષ્ણતામાને જૈવવૈવિધ્ય પર પણ ગંભીર અસર કરી છે. અંદાજે વિવિધ જીવસૃષ્ટિની દસ લાખ પ્રજાતિઓ સંપૂર્ણ નામશેષ થવાના આરે છે. વરસાદી જંગલોનો નાશ થતો જાય છે અને બાકીના જંગલો પણ ઝાંખા થઈ ગયા છે. 

Source link

Leave a Reply