ચીનના વધી રહેલા પ્રભાવ સામે અમેરિકા લાચાર


– અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ચીન સાથે નવા શીતયુદ્ધ માટે તૈયાર નથી

– છેલ્લા થોડા વર્ષોથી ચીન આર્થિક અને લશ્કરી તાકાતમાં અમેરિકાને ટક્કર આપી રહ્યું છે એટલું જ નહીં, અફઘાનિસ્તાનથી લઇને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અમેરિકા સામે શિંગડા ભરાવી રહ્યું છે 

અફઘાનિસ્તાનમાંથી ભૂંડી રીતે નીકળ્યા બાદ અમેરિકાનો મિજાજ ઠંડો પડયો હોય એવું જણાઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે અમેરિકા ચીન સાથેના સંબંધોના સંદર્ભમાં નવું શીત યુદ્ધ ઇચ્છતું નથી. બાઇડેન અગાઉ પણ રશિયા અને ચીન સાથે સંયમપૂર્વક વર્તવાની વાત કરી ચૂક્યાં છે. ચીન અને રશિયાની વધી રહેલી તાકાતને જોતાં અમેરિકા બંને દેશો સાથે સહયોગ વધારવા ઇચ્છે છે. 

ચીન-રશિયા વચ્ચેની ઘનિષ્ઠતા વધી છે

આમ પણ છેલ્લા થોડા વર્ષોથી ચીન અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ઘનિષ્ઠતા વધી રહી છે જે યૂ.એન.થી લઇને એશિયા પેસિફિક ક્ષેત્રમાં જોવા મળે છે. ત્રણ વર્ષ પહેલા રશિયાએ શીત યુદ્ધ બાદની સૌથી મોટી લશ્કરી કવાયત હાથ ધરી ત્યારે ચીને પણ તેમાં જોરશોરથી ભાગ લીધો હતો. આમ તો ૨૦૦૩ બાદ રશિયા અને ચીન વચ્ચે ૩૦થી વધારે વખત સંયુક્ત લશ્કરી કવાયતો યોજાઇ ચૂકી છે. પરંતુ હવે બંને દેશો સાથે મળીને રણનૈતિક સ્તરે યુદ્ધાભ્યાસ કરવાનું શરૂ કર્યું છે જેને અમેરિકા અને નાટો દેશો મોટા પડકાર તરીકે નિહાળે છે. 

હકીકતમાં રશિયા અને ચીન વચ્ચે વધી રહેલી ઘનિષ્ઠતાના કારણે આ મહાસત્તાઓ વચ્ચે ફરી વખત શીતયુદ્ધની પરિસ્થિતિ પેદા થાય એવો ભય ઊભો થયો છે. જેમાં એક તરફ છે રશિયા અને બીજી તરફ છે અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશો. રશિયાને એમાં ચીન જેવા શક્તિશાળી રાષ્ટ્રનો સાથ સાંપડી રહ્યો છે. સવાલ એ થાય કે અમેરિકા-યુરોપ અને રશિયા-ચીન વચ્ચે છેડાયેલું આ કથિત શીત યુદ્ધ દુનિયાને કેવી રીતે અસર કરશે? પહેલા તો શીતયુદ્ધ શું છે એ સમજીએ. શીતયુદ્ધ એ છજ્ઞા યુદ્ધનો એવો પ્રકાર છે જેમાં શત્રુદેશો સામસામે હથિયારો કે સેના વડે યુદ્ધ લડતા નથી. ખરેખર તો શીતયુદ્ધમાં શત્રુ રાષ્ટ્રો એકબીજા ઉપર કૂટનીતિક દાવપેંચો અપનાવે છે અને જૂથબંધી દ્વારા એકબીજા ઉપર દબાણ સર્જવાના ખેલ કરે છે. 

શીતયુદ્ધનો આરંભ અમેરિકા અને તત્કાલિન સોવિયેત સંઘ વચ્ચે બીજા વિશ્વયુદ્ધ બાદ મતભેદો સર્જાયા બાદ થયો હતો. એ વખતે એવી પરિસ્થિતિ ઊભી થઇ કે સામ્યવાદના તરફદાર દેશો સોવિયેત સંઘ સાથે ઊભા રહ્યાં અને મૂડીવાદી શાસનવ્યવસ્થા ધરાવતા દેશો અમેરિકાના પક્ષમાં ગયા. એ પછી નેવુંના દશકમાં સોવિયત સંઘનું વિભાજન થતા તેની તાકાતમાં ઘટાડો થયો. એ પછી આર્થિક રીતે કંગાળ થઇ ગયેલું રશિયા અમેરિકાને લડત આપી શકવાની સ્થિતિમાં ન રહ્યું અને વૈશ્વિક મહાસત્તાના રૂપમાં એકમાત્ર અમેરિકાનો દબદબો રહ્યો. એ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધનો પણ અંત આવ્યો. હાલ જે પરિસ્થિતિ સર્જાઇ રહી છે અને જે રીતે એક તરફ રશિયા અને ચીન અને બીજી તરફ અમેરિકા અને નાટો દેશો વચ્ચે જે જૂથબંધી રચાઇ છે એ કાળક્રમે શીતયુદ્ધમાં પરિણમે એવી પૂરેપૂરી શક્યતા છે.

ચીનનું રશિયામાં ભારે આર્થિક રોકાણ

આમ તો રશિયા અને ચીન પહેલેથી જ પરંપરાગત મિત્રો રહ્યાં છે. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં રશિયાએ ભારતની સહાયતા કરવાનો ઇન્કાર કર્યો હતો. એ પછી જેમ જેમ અમેરિકાએ રશિયા વિરુદ્ધ પ્રોક્સી વૉર આગળ વધાર્યું તેમ તેમ રશિયા અને ચીનની નિકટતા વધતી ગઇ. ૧૯૭૯માં ઉસુરી નદીના તટે ચીન અને રશિયા વચ્ચે એક નાનકડું યુદ્ધ પણ છેડાઇ ગયું જેમાં રશિયાએ ચીનને પરમાણુ હુમલાની ધમકી પણ આપી હતી. 

આ એક ઘટનાને બાદ કરતા રશિયા અને ચીન વચ્ચેના સંબંધો ઐતિહાસિક રહ્યાં છે. બંને દેશોમાં સામંતશાહી વિરુદ્ધ આંદોલનો થયા અને સામ્યવાદી સરકારની સ્થાપના થઇ. ૨૦૧૪માં રશિયા અને ચીન વચ્ચે ઓઇલ અને ઉર્જા ક્ષેત્રમાં ૪૦૦ અબજ ડોલરની ઐતિહાસિક સમજૂતિ થઇ જે હાલના વર્ષોની સૌથી મોટી ડીલ મનાય છે. 

ભારત માટે રશિયા-અમેરિકા વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ

છેલ્લા થોડા વર્ષોથી ચીને રશિયામાં મોટા પાયે રોકાણ કર્યું છે જેની અસર બંને દેશો વચ્ચેના સંબંધો ઉપર પણ પડી રહી છે. અમેરિકાના વધી રહેલા પ્રભાવને રોકવા માટે રશિયા અને ચીને સંયુક્ત વ્યૂહાત્મક હિતોને સાકાર કરવા માટે પોતાના સંબંધોને ગુપ્ત રીતે ઘણાં આગળ વધાર્યાં છે. ૨૦૧૭માં રશિયામાં ચીનના પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં ૭૨ ટકાનો વધારો નોંધાયો. તો દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની વધી રહેલી હિલચાલ બાબતે રશિયાએ હંમેશા મૌન સેવ્યું છે. તો ચીને પણ યુક્રેનમાં રશિયાના વ્યૂહાત્મક હિતોનું ધ્યાન રાખ્યું છે. તાજેતરના વર્ષોમાં જોવામાં આવ્યું છે કે રશિયા ભારતની ચિંતાઓને અવગણીને પણ ચીન સાથે પોતાની નિકટતા વધારી રહ્યું છે. 

રશિયાનું માનવું છે કે જો ભારત પોતાના હિતો સાધવા માટે અમેરિકા અને ઇઝરાયેલ પાસે જઇ શકે છે તો રશિયા ચીન અને પાકિસ્તાન પાસે કેમ ન જઇ શકે. ચીન રશિયાના હથિયારોનું પણ મોટું ગ્રાહક છે. ચિંતાજનક વાત એ રીતે કે હાલના વર્ષોમાં ભારત અમેરિકા તરફ ઢળી રહ્યું છે તો એશિયામાં બીજો કોઇ મજબૂત સાથીદાર ન મળતા રશિયા ચીન તરફ વળી રહ્યું છે. જાણકારોના મતે ચીન રશિયા પાસેથી ખરેખરા યુદ્ધની કલા શીખવા ધારે છે.

આજે ચીન પાસે ભલે આધુનિક શસ્ત્રોનો ભંડાર હોય પરંતુ સેનાની ટ્રેનિંગ, તૈનાતી અને કમાન્ડના મામલે તે રશિયાથી ઘણું પાછળ છે. હવે ચીનના સૈન્ય અધિકારીઓ રશિયાના અધિકારીઓ સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવા માંગે છે. હકીકતમાં ચીનની આ ચાલબાજી મોટી સંખ્યામાં સૈનિકો દ્વારા લડાતા યુદ્ધથી સાવ ઉલટ છે. આમ પણ આજના ઇન્ફોર્મેશન યુગમાં યુદ્ધ ટેકનિકલ બની રહ્યાં છે અને ચીન પોતાની સેનાને આ પ્રકારની ટ્રેનિંગ દ્વારા તૈયાર કરીને લશ્કરી આધુનિકીકરણ તરફ આગળ વધવા માંગે છે. 

ચીન અમેરિકાની દાદાગીરી સામે નમતું જોખવા તૈયાર નથી

બીજી બાજુ સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયા ફરી વખત અમેરિકા અને યુરોપ સામે માથું ઉંચકી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને નાટો દેશોની જોહુકમી તેને ઘણા વખતથી કઠી રહી છે. 

રશિયાને લાગે છે કે અમેરિકા અને નાટો દેશો તેને કાયમ માટે દાબમાં રાખવા માંગે છે. રશિયાના હુંકારનું એક કારણ અમેરિકા અને તેની આગેવાની હેઠળના નાટો દેશોની હિલચાલ પણ છે. છેલ્લા થોડા સમયથી નાટો સૈન્ય સંગઠને યુરોપમાં રશિયાની પશ્ચિમી સરહદ સુધી પહોંચ વધારી દીધી છે. ૧૯૯૦માં વિભાજિત જર્મનીના એકીકરણ વખતે અમેરિકાએ વચન આપ્યું હતું કે તે પૂર્વ યુરોપ તરફ નાટોનો વ્યાપ નહીં વધારે પરંતુ એ પછી અમેરિકાએ એ ક્ષેત્રમાં નાટોનો વ્યાપ પણ વધાર્યો છે 

રશિયા અને ચીનની જુગલબંદી અમેરિકાને સંકેત આપવા માટે પૂરતી છે કે આગામી દિવસોમાં વૈશ્વિક રાજનીતિમાં કેવો બદલાવ આવવાનો છે. અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલા સંબંધો ચીન અને રશિયા વચ્ચેની દોસ્તીને ગાઢ બનાવી રહ્યાં છે. જે રીતે ચીનના પ્રભાવને રોકવા માટે અમેરિકા ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાણ કરી રહ્યું છે એ રીતે ચીન પણ અમેરિકાની મનમાનીનો જવાબ આપવા માટે રશિયા સાથેના પોતાના સંબંધોને નવો આયામ આપી રહ્યું છે. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો રશિયા અને ચીનની સેનાઓ વચ્ચે ગઠબંધન થઇ જાય તો નાટો દેશોની સેનાઓ સામે મોટો પડકાર ઊભો થાય એમ છે.

આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે રશિયા અને ચીનની સેનાઓ વચ્ચે વધી રહેલી નિકટતા અમેરિકા માટે બિહામણાં સ્વપ્નસમાન છે. 

બંને દેશો વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી આર્થિક અને લશ્કરી સંબંધો મજબૂત બની રહ્યાં છે. રશિયા માટે સુરક્ષાનો અર્થ સત્તાની સુરક્ષા થાય છે. અમેરિકાના નેતૃત્ત્વવાળા પશ્ચિમી જગતને રશિયા પોતાનો મુખ્ય દુશ્મન ગણે છે. તે પશ્ચિમી સંસ્કૃતિથી ખતરો અનુભવે છે. બીજી બાજુ ચીન ભલે લશ્કરી કે આર્થિક રીતે શક્તિશાળી બને પરંતુ રશિયાને એવું નથી લાગતું કે ચીન તેની સુરક્ષા માટે કોઇ ખતરો બને. ખરેખર તો રશિયા અને ચીન અમેરિકાને એ દેખાડવા માંગે છે કે તેઓ પણ મહાસત્તા તરીકે તેની સામે ઊભા છે.

Source link

Leave a Reply