ડિસ્કો રોડમાંથી મુક્તિ આપો પછી ઇ હાઇવેની લોલીપોપ બતાવો..


– ભારતને ટૂંકમાં ઇ હાઇવે મળશે : ગડકરી

– પ્રસંગપટ

– જેમ ટ્રેન પર કેબલ જોવા મળે છે એમ અહીં હાઇવે પર ફિક્સ કરેલા કેબલ હશે, ઇલેક્ટ્રો મેગ્નેટીક સિસ્ટમ પણ હશે.

ભારતને ટૂંકમાં ઇ હાઇવે મળશે તે અહેવાલો રોમાંચ ઉભો કરી રહ્યા છે. વાહનોની સંખ્યા વધી છે એમ નવા અને આધુનિક હાઇવે પણ  વધ્યા છે. લોકો પોતાની ગાડીની સ્પીડની મજા લઇ રહ્યા છે. ગાડીઓના નવા મોડલો ચપટી વગાડતાંજ ૧૧૦ ની સ્પીડ પકડી લે છે. પરંતુ ઇલેકટ્રીક હાઇવે આખી ડ્રાઇવીંગ સેન્સ બદલી નાખશે એમ લાગે છે. વિકાસની વાત દરેકને ગમે છે પરંતુ વાસ્તવિક સ્થિતિને પણ ભૂલવી ના જોઇએ. આજે ખાડા વાળા રોડને ડિસ્કો રોડ કહે છે.

ચોમાસા પછી દરેક માર્ગો તૂટી જાય છે તેના કારણો જાણવા નથી મળતા. નવો બનાવેલો રોડ પહેલા વરસાદમાં તૂટી જાય ત્યારે ટેકનોલોજીને દોષ દેવાના બદલે મેનમેડ મિસ્ટેકને જવાબદાર ગણવી જોઇએ. ગામડાના રોડ ખાડા ટેકરા વાળા હોય એ કાયમી વાત છેે પરંતુ હવે તો શહેરોના ઇન્ટીરીયર રોડ પણ કમર તોડી નાખે એવા હોય છે.  

સરકાર નેશનલ હાઇવે જે મટિરીયલમાંથી બનાવે છે તેનો ઉપયોગ શહેરોના રોડ બનાવવામાં પણ થવો જોઇએ તેના બદલે રોડ બને પછી તરતજ તે તૂટી જવાના અનુભવ સામાન્ય નાગરિકને થઇ રહ્યા છે. લોકો તેમની રોજીંદી મુસાફરીમાં ભંગાર રોડથી ટેવાઇ ગયા હોય એમ લાગે છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ વિવિધ બહાના બતાવે છે, લોકો જાણે છે કે આ લોકોને કામ કરવુંજ નથી હોતું. રોડ પર કોઇ એક ખાડો પડે તો તેને તરતજ રીપેર કરાય તો આખો રોડ ખરાબ થતો અટકે છે. એક નાનો ખાડો અઠવાડીયામાં મોટો મસ ખાડો બની જાય છે.  

ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતીન ગડકરીની ઇ હાઇવેની જાહેરાત આવકાર્ય છે પરંતુ લોકોને ઉબડખાબડ રસ્તાઓમાંથી મુક્તિ જોઇએ છીએે. સરકાર માટે સ્મુધ રોડ તૈયાર કરવા અશક્ય નથી પરંતુ સરકાર તે માટે કોઇ પ્લાન તૈયાર નથી કરતી.દિલ્હી-જયપુર હાઇવે ઇલેક્ટ્રીક હાઇવે બનશે એમ ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું ત્યારે દરેકને એક પરી કથા જેવું લાગે તે સ્વભાવિક છે. 

આપણે ત્યાંના હાઇવેમાં સુધારા થઇ રહ્યા છે. અમદાવાદ વડોદરા અક્સપ્રેસ હાઇવે પર લોકો કલાક સવા કલાકમાં વડોદરા પહોંચતા થયા છે. અમદાવાદ વડોદરા વચ્ચેનો સ્ટેટ હાઇવે પણ સિક્સ લેન છે. આ એવા હાઇવે છે કે લોકો તેના પરની મુસાફરીને પેટનું પાણી પણ ના હાલે તેની સાથે સરખાવે છે. 

ગુજરાતના લોકોને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેની ફાવટ એટલા માટે આવી ગઇ છે કે તે સમય બચાવે છે અને કારની સ્પિડની મજા માણવાનો મોકો પણ આપે છે.

 શહેરના ટ્રાફીકથી બચવા સરકારે રીંગ રોડ બનાવ્યા છે અને સાથે સર્વિસ રોડને પણ પ્રધાન્ય આપ્યું છે. અહીં જે ઇ હાઇવેની વાત છે તે ભારતમાં પ્રથમ પ્રકારનો છે.અને સ્વિડનમાં ઇ હાઇવે છે. ઓટો ક્ષેત્રે ઇલેક્ટ્રીક કારનું ભાવિ ઉજળું છે. ઇલેક્ટ્રીક હાઇવે પર ઓવરહેડ ઇલેક્ટ્રીક કેબલની મદદથી કાર ચાલશે જેમાં વિજ કરંટ હશે. જેમ ટ્રેન પર કેબલ જોવા મલે છે એમ અહીં હાઇવે પર ફિક્સ કરેલા કેબલ હશે. આવા રોડ પર ઇલેક્ટ્રો મેગ્નેટીક સિસ્ટમ પણ હશે.

ભારતમાં ક્યારથી તે શરૂ થઇ શકે છે? ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતિન ગડકરીનું સાચું માનીયે તો હજુ તો વાત દરખાસ્ત લેવલે છે. કેટલાક અહેવાલ કહે છે કે સ્વિડનની કંપનીને કામ સોંપાયું છે તો કેટલાક કહે છે કે ૨૦૨૨ની  મધ્યમાં રોડનું કામ ચાલુ થઇ જશે.

ગયા માર્ચ માસમાં નિતીન ગડકરીએ લોકસભામાં પ્રશ્નોત્તરીના સમયમાં જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઇ ેએક્ષસ્પ્રેસ વે પર પણ ઇલેક્ટ્રીક હાઇવે બની શકે છે. તેમણે એમ કહ્યું કે ઇલેક્ટ્રીક હાઇવે પર બસો અને ટ્રક ૧૨૦ કિ.મીટરને ઝડપે દોડી શકશેે.જેથી માર્ગ પરિવહનની કોસ્ટમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળશે.ગામડાઓનો વિકાસ ત્યાંના રોડના કારણે અટકેલો છે. 

ગામડા અને શહેરના કેટલાક વિસ્તારોના રોડ સાવ તૂટેલા હોય છે લોકો તેને ડિસ્કો રોડ કહે છે. ઇ હાઇવેની વાત સાંભળી દરેક કહે છે કે પહેલાં વર્તમાન અને રોજીંદા વપરાશમાં આવતા માર્ગોેનું સમારકામ કરવું જોઇએ. જેમ હેલ્થ ઇન્સ્પેકટરો હોય છે એમ રોડ ઇન્સ્પેકટરો હોવા જોઇએ.રોડ પર થાગડ થિગડ કરીને સત્તાવાળાઓ પ્રજાની આંખોં ધૂળ નાખ્યા કરે છે.

 લોકોને નવું અને ઇનોવેટિવ ગમે છે પણ પરંતુ પ્રજા રોજીંદી હેરાનગતિમાંથી મુક્તિ માંગે છે. ભારતના લોકો એવા ઉબડ ખાબડ રસ્તાઓથી ટેવાઇ ગયા છે કે તેમના માટે ઇલેકટ્રીક હાઇવે સપનાં સમાન છે.

Source link

Leave a Reply