દિલ્હીની વાત : 'કામગરા' મોદીની પ્રસંશા, શાસ્ત્રી સાથે સરખામણી

નવીદિલ્હી : નરેન્દ્ર મોદી અમેરિકા જતી વખતે વિમાનમાં ફાઈલો તપાસતા હતા તેની તસવીર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે. અમેરિકાની લાંબી યાત્રા દરમિયાન મળેલા સમયનો મોદીએ સરકારી કામ પતાવવા માટે ઉપયોગ કરી લીધો તેની પ્રસંશા કરીને લોકો લખી રહ્યાં છે કે, આપણે ખુશનસીબ છીએ કે મોદી જેવા કામગરા વડાપ્રધાન મળ્યા છે.

ભાજપના મોટા ભાગના નેતાઓએ આ તસવીર શેર કરીને મોદીના વખાણ કર્યાં છે. ઘણાં લોકોએ લાલ બહાદુર શાસ્ત્રી પ્લેનમાં ફાઈલો તપાસતા હોય એવી તસવીર મૂકીને મોદીને શાસ્ત્રી સાથે સરખાવ્યા છે. ઘણાએ સરદાર પટેલ પણ આ રીતે કામ કરતા હતા તેની યાદ અપાવી છે.

ઘણાંએ મોદીની ફિરકી પણ લીધી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, કોંગ્રેસે દેશ માટે કશું નથી કર્યું એવું કહો ત્યારે શાસ્ત્રી અને સરદાર પટેલ બંને કોંગ્રેસી હતા એ પણ યાદ રાખજો.

ઘણાંએ મનમોહનસિંહની વિમાનમાં પત્રકાર પરિષદને સંબોધનની તસવીર મૂકીને લખ્યું છે કે, મનમોહને પણ મોદીની જેમ તસવીરો પડાવવાનો શોખ કેળવ્યો હોત તો હજુ સત્તામાં હોત.

ઉત્તરાખંડમાં ભાજપની જીતની જવાબદારી શાહને સોંપાઈ

ઉત્તરાખંડમાં ભાજપને જીતાડવાની જવાબદારી મોદીએ અમિત શાહને સોંપી છે. શાહે સાધુ-સંતો તથા ધાર્મિક આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કરીને આ દિશામાં કામગીરી શરૂ કરી દીધો હોવાનો સૂત્રોનો દાવો છે. શાહે ઉત્તરાખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત નરેન્દ્ર મોદી કરશે એવું સૂચન કર્યું હતું જે મોદીએ સ્વીકાર્યું છે.

ઉત્તરાખંડમાં હિંદુત્વના મુદ્દા પર ભાજપને મત મળે એ માટે મોદી કેદારનાથમાં કેદારધામ નવનિર્માણ પ્રોજેક્ટ હેઠળ કરાઈ રહેલાં વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે પ્રચારની શરૂઆત કરે એવી શાહની યોજના છે. મોદીએ આ યોજનાને લીલી ઝંડી પણ આપી દીધી છે.

મોદીની સૂચનાના પગલે પીએમઓએના અધિકારીઓએ ગુરૂવારે કેદારનાથની મુલાકાત લઈને પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું તેની સમીક્ષા કરી હતી. સૂત્રોનો દાવો છે કે, અત્યારે જે સ્થિતી છે તે જોતાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મહત્વનું કામ સમાપ્ત થઈ જશે. એ પછી ૬ ઓક્ટોબરે મોદી કેદારનાથ જશે. મોદીની મુલાકાતના અઠવાડિયા પછી શાહ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં ધામા નાંખશે અને ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢશે.

કોંગ્રેસનો યુપીમાં પણ દલિત ચહેરો, માયાવતી ટેન્શનમાં

કોંગ્રેસે પંજાબમાં દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા પછી ઉત્તરાખંડમાં પણ દલિત નેતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાનો મમરો હરીશ રાવતે મૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ દલિત નેતાને મુખ્યમંત્રીપદના દાવેદાર બનાવવાની કોંગ્રેસની હિલચાલથી માયાવતી ટેન્શનમાં છે.

યુપીમાં ફરી સત્તા કબજે કરવા માગતાં માયાવતીનો બધો મદાર દલિત મતબેંક પર છે. માયાવતીએ યુપીમાં જીતવા પોતાની પરંપરાગત દલિત મતબેંક સાથે બ્રાહ્મણ મતદારોને પણ આકર્ષવા પ્રયત્ન શરૂ કર્યા છે. બ્રાહ્મણ મતદારો ૨૦૦૭ની જેમ સંપૂર્ણપણે માયાવતી તરફ વળે એવી શક્યતા ઓછી છે ત્યારે દલિત મતબેંકમાં ભંગાણ પડે એ માયાવતીને પરવડે તેમ નથી.

ચંદ્રશેખર આઝાદના કારણે યુવા દલિત મતદારો બસપાથી દૂર થઈ રહ્યા હોવાથી માયાવતી ચિંતામાં છે. હવે કોંગ્રેસ પણ દલિત કાર્ડ રમી નાંખે તો દલિત મતબેંકમાં ભંગાણ પાકું થઈ જાય તેથી માયાવતી ચિંતામાં છે.

માયાવતીએ દલિત મતદારોને કોંગ્રેસની જાળમાં નહીં ફસાવા અપીલ કરી છે પણ કોંગ્રેસ ખરેખર દલિત નેતાને પોતાનો ચહેરો બનાવી દે તો માયાવતીની અપીલને કોઈ કાને ના ધરે.

મમતા તૃણમૂલના પ્રસાર માટે પી.કે. સાથે ગોઆ જશે

મમતા બેનરજી ઉત્તર-પૂર્વનાં રાજ્યોની સાથે હવે દેશનાં બીજાં રાજ્યોમાં પણ તૃણમૂલ કોંગ્રેસનો વિસ્તાર કરવા માગે છે અને તેની શરૂઆત ગોઆથી કરાશે. ગોઆમાં આવતા વરસની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં તૃણમૂલ કોંગ્રેસના સંગઠનને સક્રિય કરવાની મમતાની ગણતરી છે. આ ઉદ્દેશને પાર પાડવા માટે મમતા આવતા અઠવાડિયે ગોઆ જશે.

મમતાની સાથે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ ગોઆ જશે. પી.કે.ની કંપનીની લગભગ ૨૦૦ માણસોની ટીમે ગોઆમાં તૃણમૂલને મજબૂત કરવા માટે કામ શરૂ પણ કરી દીધું છે. મમતા આ ટીમના સભ્યો સાથે વાત કરીને  શું કરવું તેની વ્યૂહરચના નક્કી કરશે. સૂત્રોના મતે પી.કે.એ મમતાને સલાહ આપી છે કે, ગોઆમાં તૃણમૂલ કોંગ્રેસના દસેક ધારાસભ્યો-સાંસદોને ચોક્કસ વિસ્તારની જવાબદારી સાથે છ મહિના પહેલાં જ મોકલી દેવાય.

મમતાની મુલાકાત પછી અભિષેક બેનરજી ગોઆ જાય એ પહેલાં આ નક્કી કરી દેવાશે એવો સૂત્રોનો દાવો છે. તૃણમૂલે બહુ ટૂંકા ગાળામાં ત્રિપુરામાં પ્રભાવ વિસ્તારવા માંડયો છે. ગોઆ ત્રિપુરા કરતાં નાનું હોવાથી પી.કે.એ મમતાને ગોઆ જવા સલાહ આપી છે.

કેપ્ટનને તગેડી મૂકવા રાહુલ-પ્રિયંકાનું દબાણ

પંજાબના કેપ્ટન અમરિન્દરસિંહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નિશાન બનાવીને કરેલા સીધા હુમલાને પગલે કેપ્ટન કોંગ્રેસમાં નહી રહે એ સ્પષ્ટ છે. બીજી તરફ કોંગ્રેસમાં એવો મજબૂત મત છે કે, કેપ્ટન પોતે કંઈ કરે એ પહેલાં કોંગ્રેસે જ તેમને તગેડી મૂકવા જોઈએ કે જેથી દાખલો બેસે. શિસ્તભંગ કરનાર અને હાઈકમાન્ડના નિર્ણય સામે અવાજ ઉઠાવનાર ગમે તેવો મોટો નેતા હોય તો પણ તેને નહીં છોડાય એવો મેસેજ જાય.

સૂત્રોના મતે, રાહલ-પ્રિયંકા તો કેપ્ટનની હકાલપટ્ટીના પક્ષમાં છે પણ સોનિયા હજુ કેપ્ટનને એક તક આપવા માગે છે. સોનિયા શનિવારે પોતે કેપ્ટન સાથે વાત કરીને તેમને પક્ષ વિરોધી નિવેદનો નહીં આપવા કહેશે. કેપ્ટન એ પછી પણ નહીં માને તો તેમની હકાલપટ્ટી કરાશે.

કેપ્ટને સિધ્ધુને ડ્રામા માસ્ટર ગણાવીને ૨૦૨૨ની ચૂંટણીમાં સિધ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભો રાખવાનું એલાન કર્યું છે. કોંગ્રેસના નેતા આ જાહેરાતને શિસ્તભંગ માની રહ્યા છે. કેપ્ટને પ્રિયંકા-રાહુલને ‘બિનઅનુભવી ગાંધી બચ્ચાં’ ગણાવ્યાં તેના કારણે પણ કોંગ્રેસમાં આક્રોશ છે.

બિહારમાં ભાજપ વર્સીસ માંઝી જંગ શરૂ

બિહારમાં ભાજપના નેતા અને તેમના સાથી જીતનરામ માંઝી સામસામે આવી ગયા છે. માંઝીએ ભગવાન રામ વિશે કરેલી કોમેન્ટ સામે ભાજપના નેતાઓએ આપેલી પ્રતિક્રિયાના કારણે ઉકળાટનો માહોલ હતો જ ત્યાં કર્ણાટકમાં દલિત છોકરીના મંદિર પ્રવેશ મુદ્દે માંઝીએ ભાજપને આડે હાથ લેતાં જંગ જામ્યો છે. હિંદુસ્તાન અવામ મોરચાના નેતા માંઝીએ ભાજપને પડકાર ફેંક્યો છે કે, મારા વિચારો પસંદ ના હોય અમારા પક્ષનો ટેકો શું કરવા લીધો છે ?

માંઝીએ બુધવારે ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવીને કહેલું કે, મારા મતે રામ મહાન નહોતા પણ રામાયણમાં સારી વાતો છે તેથી તેને ભણાવવામાં વાંધો નથી. ભાજપે કટાક્ષ કર્યો હતો કે, માંઝીએ પોતાનું નામ જીતન રામના બદલે જીતન રાક્ષશ કરી દેવું જોઈએ.

કર્ણાટકના મંદિરમાં બે વર્ષની દીકરી ઘૂસી જતાં તેનાં માતા-પિતાને આકરો દંડ કરીને સજા અપાઈ હતી. માંઝીએ ગુરૂવારે આ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો કે, ભાજપ શાસિત રાજ્યમાં દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે ધર્મના ઠેકેદાર ક્યાં ગાયબ થઈ ગયા છે ?

***

ખેડૂત આંદોલન રાજકીય વળાંક લે છે

ખેડૂત આંદોલનકારીઓ પંજાબની વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી લક્ષમાં રાખી, તેમની બિન રાજકીય પ્રતિભા દર્શાવવા પ્રયત્નો કરી રહ્યા છે બીજી તરફ આ આંદોલન રાજકારણના ચક્રવ્યૂહમાં ખેંચાઈ રહ્યું હોય તેવું લાગે છે. ‘સંયુક્ત કિસાન મોરચા’ના એક ભાગરૂપ તેવા ભારતીય કિસાન યુનિયનના સૌથી વધુ વિખ્યાત નેતા બલબીરસિંહ રાજપાલ ઉપર શિરોમણિ અકાલી દળે (SAD)એ તેમના પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ રાખવાનો આક્ષેપ મુકવા સાથે ચૂંટણી સંદર્ભે તેના વિરોધીઓની તરફદારી કરવાનો આક્ષેપ પણ મૂક્યો છે.

આ સમગ્ર વાતનો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે એસએડી દ્વારા તા. ૧૭મી સપ્ટેમ્બરે ખેડૂત વિરોધી ગણાતા ત્રણ કાનૂનોની વરસી નિમિત્તે આંદોલન જગાવ્યું હતું કારણકે આ કાનૂનો જ અત્યારે ચાલી રહેલા આંદોલનના કેન્દ્રમાં છે. શિરોમણી અકાલી દળ (એસએડી)નો આક્ષેપ છે કે, સંયુક્ત કીસાન મોર્ચા (એસકેએમ)નું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરનારા ગુંડાઓએ જ આ આંદોલનકારીઓ પર હુમલા કર્યા હતા અને તેમનાં અપમાનો પણ કર્યા હતા.

આ પછીના દિવસે એસએડી ઉપર રાજેપાલ તૂટી પડયા હતા અને કહ્યું હતું કે, સંયુક્ત કીસાન મોર્ચા (એસકેએમ) દ્વારા તોફાન કરનારાઓને જુદા તારવી કાઢવામાં આવ્યા હતા અને તેઓને ચેતવણી પણ આપી હતી તેમ છતાં શિરોમણી અકાલી દળે પત્રકાર પરિષદ યોજી હતી અને આવા આક્ષેપો કર્યા હતા.

છેલ્લા 20 વર્ષમાં 24 સાધુઓ માર્યા ગયા છે કે ગુમ થયા છે

અખિલ ભારતીય અખાડાના વડા મહંત નરેન્દ્રગિરિના મૃત્યુએ હરદ્વારમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૨૪ સાધુઓ માર્યા ગયા હતા કે ગુમ થયા હતા તે વાતને પ્રકાશમાં લાવી દીધી છે.સાધુ સમાજના કહેવા પ્રમાણે નરેન્દ્રગિરિને બનાવટી સાધુઓની યાદી તૈયાર કરવામાં સહાય કરનાર મહંત મોહનદાસ સપ્ટે. ૧૬, ૨૦૦૭ના દિવસે હરિદ્વારથી મુંબઈ જતી ટ્રેનમાં મુંબઈ જવા નીકળ્યા હતા પરંતુ તેઓ મુંબઈ પહોંચી શક્યા નહી અને એસઆઇટી પણ તેનું રહસ્ય ઉકેલી શકી નથી. આવું જ સાધુ શંકરદેવ સંબંધે બન્યું જેઓ જૂન ૨૦૦૭માં હરિદ્વારાંથી જ ગુમ થઈ ગયા હતા ત્યાર પછી હત્યાઓની પરંપરા ચાલી જેથી સાધુ સમાજમાં આંચકાઓ લાગી રહ્યા છે.

બંગાળ ભાજપના પ્રમુખને મમતાના નિવાસસ્થાન નજીક પ્રચાર ન કરવા દેવાયો

ભવાનીપોર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના નવ-નિયુક્ત પ્રદેશ પ્રમુખ સુહાન્ત મજમુદાર અને પોલીસ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીના હરિશ ચેટર્જી માર્ગ ઉપર રહેલા નિવાસસ્થાન સામે જ પ્રચાર સભા યોજવા અંગે જીભાજોડી થઈ હતી. આ સંબંધે મજમુદારે આક્ષેપ કર્યો હતો કે હું પક્ષના પ્રદેશ પ્રમુખ થયા પછી તેઓને પહેલી જ જાહેરસભા યોજી ત્યારે શાસક પક્ષના સભ્યોના કહેવાથી તેમની સભા યોજવાનો ઇન્કાર કરતા તેમની અને પોલીસ વચ્ચે જીભાજોડી થઈ હતી.

તા. ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી ભવાનીપોરની પેટા ચૂંટણીમાં મમતાન બેનરજી સામે ઉભા રહેનારા પ્રિયંકા તિબ્રેવાલનો તેઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે મજુમદાર અને તેમના સેફ્રન બ્રિગેડના સાથીઓને મમતા બેનર્જીના નિવાસસ્થાન સામે ચૂંટણી પ્રચારસભા યોજવાનો ઇન્કાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, તે માટેની તેમની પાસે જરૂરી તેવી પરવાનગી નથી. આ સંબંધે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ‘હાઇ સિક્યુરિટી’ ઝોનમાં આવેલું હોવાથી ત્યાં ઘણા બધા માણસોને એકઠા થવા દેવાય નહીં.

ઉમા ભારતી દ્વારા ‘આખરીનામું’

મધ્ય પ્રદેશના રાજકારણમં પોતાનો માર્ગ કરવાની ઇચ્છા ધરાવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમા બારતીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રાજ્યમાં આગામી જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી કરવા આખરીનામું આપી દીધું છે. સાથે કહ્યું છે કે, જો તેમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો મહિલાઓ લાઠીઓ હાથમાં લેશે. શિવરાજ સરકારને મુશ્કેલી ઉભી થાય તેવું પગલું ઉમા ભારતીએ પહેલી જ વાર દારૂબંધી અંગે આંદોલન કરવાની કૈં આ પહેલી જ ધમકી નથી આપી.

રવિવારે પણ ભારતીએ આદોલનની ધમકી અંગે ટ્વિટ કર્યું હતું. આ અંગે તો તેઓએ તા. ૮મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ જાહેરાત કરી હતી અને તે વખતે પણ આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી હતી પરંતુ કોવિડ-૧૯ને લીધે તે થઈ ન શક્યું. ને પરિસ્થિતિ સુધરે તો આ જન-જાગૃતિ અભિયાન અત્યારથી પાંચ મહિના સુધી ચાલનાર છે.

દરમિયન મારી ગંગા-યાત્રા પણ પૂર્ણ થઈ જશે એમ પણ ભારતીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે પછી હું પરિસ્થિતિની ૧૫થી ૨૦ જાન્યુઆરી સુધીમાં સમાલોચના કરીશ અને મને ખાતરી છે કે ત્યાં સુધીમાં મ.પ્ર.ની સરકાર રાજ્યમાં દારૂબંધી દાખલ કરી જ દેશે.

વડાપ્રધાન સંબંધે કટાક્ષભર્યા વિડિયોમાં ભાગ લેવા માટે તબીબ ઉપર પ્રહારો

સરકારી તબીબ રાજેશકુમાર ધનબાદની હોસ્પિટલમાં નોકરી કરે છે તેણે વડાપ્રધાનના તા. ૧૭મી સપ્ટેમ્બરના જન્મદિને જ એક કટાક્ષભર્યો વિડિયો શેર કરતા જિલ્લા વહીવટી તંત્ર, સિવિલ સર્જનને આ વિષે તપાસ કરવા કહ્યું છે. દરમિયાન તે તબીબ બે દિવસની રજા ઉપર ઉતરી ગયો છે તેમણે મીડિયાને આ સંબંધે કશું પણ કહેવાનો ઇન્કાર કરયો છે. આ તબીબે, લખનૌ સ્થિત કટાક્ષકાર અને રાજકીય એક્ટિવિસ્ટ રાજીવ ધ્યાની સાથે આ કટાક્ષમય વિડિયો શેર કર્યો હોવાનું કહેવાય છે.

ધ્યાનીને ૨૦૭ હજાર અનુયાયીઓ પણ છે. ધનબાદની શહીદ નિર્મલા માહતો મેમોરિયલ મેડિકલ કોલેજના તબીબોનું વોટ્સએપ ગ્રુપ રચાયેલું છે તે વિડિયોનું ટાઇટલ છે ‘મોદીયા બિંદકી બીમારી’ જે વાસ્તવમાં તા. ૧૨મી સપ્ટેમ્બર શેર કરવામાં આવ્યો હતો.

ધ્યાની અહીં શબદ રમત રમ્યા છે મોતિયાબિંદ એટલે મોતિયો જેથી ઘણા લોકો સ્પષ્ટ જોઈ શકતા નથી. આસપાસની ચીજો તેમને દેખાતી નથી દૂર રહેલા અફઘાનિસ્તાન અને સીરીયામાં બનેલી ઘટનાઓ (તેમને) દેખાતી નથી.

– ઇન્દર સાહની

Source link

Leave a Reply