દિલ્હીની વાત : ભાજપ 7 રાજયમાં 50 ટકા ધારાસભ્યોને કાપશે

નવીદિલ્હી : ભાજપ ૨૦૨૨માં યોજાનારી સાત વિધાનસભાની ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં વધારે ધારાસભ્યોને ટિકિટ નહીં આપે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીએ અમેરિકા જતાં પહેલાં જે.પી. નડ્ડાને આ અંગેની સૂચના આપી દીધી છે.

વર્તમાન ધારાસભ્યો સામે લોકોમાં અસંતોષ અને એન્ટિ-ઈન્કમ્બન્સીને ખાળવા  મોદી સંપૂર્ણ તો નહીં પણ પચાસ ટકા ધારાસભ્યોના કિસ્સામાં નો રીપીટ ફોર્મ્યુલાનો અમલ કરશે. ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુર એ પાંચ રાજ્યોની માર્ચ-એપ્રિલમાં જ્યારે ગુજરાત, હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં ચૂંટણી છે.

મોદીની સૂચનાના આધારે નડ્ડાએ સાતેય રાજ્યોનાં પ્રદેશ સંગઠનને ધારાસભ્યોના રીપોર્ટ કાર્ડ તૈયાર કરવા કહી દીધું છે. સાથે સાથે કોનાં પત્તાં કાપી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરવા કહી દીધું છે. મોદી અમેરિકાથી પાછા ફરે પછી ધારાસભ્યોનાં રીપોર્ટ કાર્ડના મૂલ્યાંકન માટે સમિતી રચાશે. આ સમિતીના રીપોર્ટના આધારે કોની કોની ટિકિટ કાપવી તેનો નિર્ણય મોદી કરશે.  ભાજપ યુપીમાં દોઢ કરોડ નવા સભ્યો સહિત સાત રાજ્યોમાં છ કરોડથી વધારે નવા સભ્યોની નોંધણી પણ કરશે.

ગૃહ ખાતાનો જવાબઃ હિંદુત્વ પર ખતરાની વાત કાલ્પનિક

છેલ્લાં કેટલાંક વરસોથી સોશિયલ મીડિયા પર મુસ્લિમોની વસતી વધી રહી છે તેથી હિંદુત્વ ખતરામાં છે એ પ્રકારનો પ્રચાર જોરશોરથી કરાઈ રહ્યો છે. મુસ્લિમોની વસતી વધી જશે અને ભારતમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે એ પ્રકારની પોસ્ટ્સનો મારો ચાલી રહ્યો છે.

જો કે અમિત શાહના ગૃહ મંત્રાલયે આ વાતને કાલ્પનિક ગણાવી છે. આરટીઆઈ એક્ટ હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, ભારતમાં હિંદુત્વ ખતરામાં હોવાની વાત કાલ્પનિક છે અને આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા નથી. ગૃહ મંત્રાલયના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર વી.એસ. રાણાએ જવાબ આપ્યો છે કે, આ પ્રકારના કાલ્પનિક સવાલો અંગે ગૃહ મંત્રાલયને કશી ખબર નથી કે તેના કોઈ પુરાવા પણ નથી. અમે અમારી પાસે માહિતી ઉપબલ્ધ હોય કે અમારા અધિકાર ક્ષેત્રમાં આવે તેના જ જવાબ આપી શકીએ.

વિશ્લેષકોના મતે, આ જવાબ કેન્દ્ર સરકારનાં બેવડાં ધોરણોનો પુરાવો છે. ગૃહ મંત્રાલય જે વાતોને કાલ્પનિક માને છે એ વાતોનો પ્રસાર રોકવા કશું કરતું પણ નથી.

ચાર્ટર્ડ પ્લેન કરવા બદલ ચન્ની-સિધ્ધુ પર તવાઈ

પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પ્રદેશ પ્રમુખ નવજોત સિધ્ધુના માથે દિલ્હી આવવા માટે ચાર્ટર્ડ પ્લેન ભાડે કરવા બદલ માછલાં ધોવાઈ રહ્યાં  છે. સિધ્ધુએ ચંદીગઢથી નિકળતાં પહેલાં એરપોર્ટ પરનો પોતાનો ફોટો મૂક્યો છે. તસવીરમાં બે નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોની પણ છે. આ ચારેય નેતા મંત્રીમંડળની રચના અંગે ચર્ચા કરવા દિલ્હી આવ્યા હતા.

લોકો સવાલ કરી રહ્યા છે કે, દિલ્હીથી ચંદીગઢનું અઢીસો કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર્ટર્ડ પ્લેન કરીને લાખોનો ધુમાડો કરનારા સામાન્ય લોકોનું શું ભલું કરવાના ? કારમાં ત્રણ કલાકમાં દિલ્હી પહોંચી જવાય ત્યારે આ તાયફા શું કરવા ?

ચન્નીએ મુખ્યમંત્રીપદે બેઠા પછી લાઈટ બિલ માફ કરવાની જાહેરાત કરતી વખતે કહેલું કે, હવે પંજાબનો મુખ્યમંત્રી એક ‘આમ આદમી’ છે કે જે આમ આદમીની જરૃરીયાતો અને સમસ્યાઓને સમજે છે. લોકો આ નિવેદનને યાદ કરાવીને કટાક્ષ કરી રહ્યા છે કે, આ કેવો ‘આમ આદમી’ છે કે જે અઢીસો કિલોમીટર માટે પણ પ્લેન ભાડે લે છે ?

ભાજપ હવે બિહારના નાયબ મુખ્યમંત્રીને રવાના કરશે

બિહારમાં નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતાં નારાજ મોદી પ્રસાદને રવાના કરી દેવાના મૂડમાં છે. બિહાર સરકાર દ્વારા ઘેર ઘેર પીવાનું પાણી પહોંચાડવા માટે ‘ગર ઘ નલ કા જલ’ યોજના શરૃ કરી છે. આ યોજનામાં પ્રસાદના પરિવારને આ યોજનાના ૫૩ કરોડ રૃપિયાના કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો ધડાકો થયો છે.

પ્રસાદે મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો ઘાટ કરીને મોટા ભાગના કોન્ટ્રાક્ટ પરિવારજનોને જ આપી દીધો છે. પ્રસાદની પૂત્રવધૂ પૂજા કુમારી તથા તેમના સાળા પ્રદીપ કુમાર ભગતની બે કંપનીને જ ૫૦ કરોડ કરતાં વધારેના કોન્ટ્રાક્ટ અપાયા છે. આ સિવાય તેમનાં બીજાં સગાંની બે કંપનીઓને પણ કરોડોના કોન્ટ્રાક્ટ અપાયા છે. બિહાર સરકારનો દાવો છે કે, આ યોજના હેઠળ ૧.૦૮ લાખ પંચાયત વોર્ડના તમામ ઘરે નળ દ્વારા પીવાનું પાણી પૂરું પડાય છે.

ભાજપના ધારાસભ્યો દ્વારા આ મુદ્દે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરાઈ છે. પ્રસાદના ભ્રષ્ટાચારના સમર્થનમાં પુરાવા પણ અપાતાં ગમે ત્યારે પ્રસાદને ઘરભેગા કરી દેવાશે એ નક્કી છે.

ઓવૈસીના ઘરે હુમલો થતાં શાહે પોલીસને ખખડાવી

દિલ્હીમાં એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાસંદ અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગાલમાં તોડફોડ થતાં નારાજ ગૃહ મંત્રી અમિત શાહે ડીસીપી દીપક યાદવને બરાબર ખખડાવ્યા હોવાના અહેવાલ છે. પોલીસની નિષ્ફળતાના કારણે કેન્દ્ર સરકાર સામે આંગળી ચીંધાય છે તેથી શાહ ખફા છે. આ હુમલાના કારણે દિલ્હીમાં ભાજપ વિરોધી સાંસદોને નિશાન બનાવાય છે એવો ખોટો મેસેજ ગયો છે.

સૂત્રોનો દાવો છે કે, યાદવે હુમલો કરનારાંને પકડી લેવાયા એવો બચાવ કરતાં શાહ વધારે બગડયા હતા. તેમણે સવાલ કર્યો કે, પોલીસ ગુના રોકવા માટે છે કે પછી ગુનો બની ગયા પછી ગુનો કરનારને પકડવા માટે છે ? ઓવૈસીનો બંગલો હાઈ સીક્યુરિટી ઝોનમાં હોવા છતાં તોડફોડ થઈ તેના કારણે શાહ ગુસ્સામાં હોવાનું કહેવાય છે.

આ હુમલો કરાયો ત્યારે ઓવૈસી બંગલામાં હાજર નહોતા. પોલીસે તોડફોડ કરનારા હિંદુ સેનાના પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે. ઓવૈસીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરવા સેનાના દસેક કાર્યકરો ઓવૈસીના બંગલે આવ્યા હતા. પહેલા તેમણે નારેબાજી કરી ને પછી તોડફોડ શરૃ કરી દીધી.

ગાદી બચાવવા શિવરાજ સંઘના શરણે ગયા

મોદી મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી બદલવાના મૂડમાં છે ત્યારે શિવરાજસિંહ ચૌહાણ સંઘના શરણે ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારથી ઈન્દોરમાં છે. ઈન્દોરના બે દિવસના પ્રવાસે આવેલા ભાગવત સાથે શિવરાજે ફોન પર વાત કરીને પોતાને બચાવી લેવા વિનંતી કરી હોવાનું કહેવાય છે.

શિવરાજે ભાગવતને પોતાની સરકારે લીધેલાં લવ જિહાદ વિરોધી કાયદા સહિતનાં હિંદુત્વતરફી પગલાંની યાદ અપાવીને દિલ્હીમાં પોતાને બચાવવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે. શિવરાજ સમર્થક મંત્રી પણ અંગત રીતે ભાગવતને મળ્યા. તેમણે શિવરાજ સરકાર હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવીને કામ કરી હોવાની રજૂઆત કરી.

ભાગવત મંગળવારે ઈન્દોરમાં પ્રતિષ્ઠિત લોકો અને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાં લોકોને મળ્યા હતા. બુધવારે સવારે તેમણે સ્ટાર્ટ અપ્સ શરૃ કરનારા ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી હતી જ્યારે બપોર પછી ભાજપ સંગઠનના ટોચના હોદ્દેદારોને મળ્યા હતા. ભાગવતની બે દિવસની મુલાકાતનો હેતુ શિવરાજ સરકાર વિશે ફીડબેક લેવાનો હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશમાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી છે. 

***

 મમતાની મસ્જીદની મુલાકાતથી વિવાદ

બંગાળ ભાજપના પ્રમુખ પદે નિયુક્ત થયેલા સૌથી યુવાન પ્રમુખ (૪૧) સુકાની મજુમદારે નિયુક્તિના બીજા જ દિવસે શાસક પક્ષ ટી.એમ.સી. ઉપર રાજ્યમાં તાલિબાન જેવું શાસન સ્થાપવાનો આક્ષેપ મુકાયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ”ભવાનીપોર અંગેની અમારી રણનીતિ યોગ્યતઃ કાર્યરત રહી છે. મમતા બેનર્જી ત્યાં રોજેરોજ પ્રચાર કરી રહ્યાં છે. તેઓએ તાજેતરમાં જ એક મસ્જીદની મુલાકાત લીધી હતી. મસ્જીદમાં મહિલાઓને પ્રવેશ કરવાની ઈસ્લામ અનુમતિ આપતો નથી. હું તેને ઈસ્લામના અપમાન સમાન માનું છું.” મજુમદારના આ વિધાનન તુર્ત જ નકારી કાઢતાં પશ્ચિમ બંગાળ ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મહમ્મદ યાહ્યાએ કહ્યું હતું કે ”કુરાનમાં એવું ક્યાંય પણ લખ્યું નથી કે મહિલાઓ મસ્જીદમાં ન પ્રવેશી શકે. પયગમ્બરે કદી તેવું કહ્યું નથી. ભાજપના નેતા તદ્દન ખોટા છે. મસ્જીદમાં કોને પ્રવેશ આપવો તે તો મસ્જીદ સમીતી જ નિશ્ચિત કરે છે. તે કૈં ભાજપ જેવા પક્ષનો વિશેષાધિકાર નથી.”

2022ની રાજ્યની ચૂંટણીઓ ભાજપ 50% વિધાયકોને પડતા મુકશે

ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીઓને બદલ્યા પછી, ૨૦૨૨માં ત્યાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ શાસક પક્ષ વિરોધી પ્રવાહને લક્ષ્યમાં રાખી પક્ષના અર્ધો-અર્ધ જેટલા વર્તમાન વિધાયકોને પડતા મુકવા માગે છે. તેમ અંદરની માહિતી ધરાવતા પક્ષના વરીષ્ઠ નેતાઓએ જણાવ્યું છે. ગઈ ચૂંટણીઓ દરમિયાન પક્ષે ૧૫-૨૦% વિધાયકોને પડતા મુક્યા હતા પરંતુ અનેકાનેક મુદ્દાઓ અંગે જનસામાન્યમાં ઘણો જ અસંતોષ પ્રવર્તતો હોઈ, આ વખતે તે આંક વધી શકે તેમ છે, તેમ પક્ષના એક વરીષ્ઠ નેતાએ જણાવ્યું હતું. ૨૦૨૨માં પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જનતાનો ‘મૂડ’ જાણવા પક્ષે ભૂમિગત સર્વેક્ષણ પણ ઘણાંએ રાજ્યોમાં કરી લીધું છે. પક્ષના વર્તમાન વિધાયકોને પડતા મુકવાથી બે હેતુ સરી શકે તેમ છે. એક તો લોકોનું ધ્યાન બીજે દોરાય અને બીજું પ્રજાનો ગુસ્સો થોડો શાંત પડે. તેમ ઉત્તરાખંડ લ્લશમ્ ગઢવાલ, સેન્ટ્રલ યુનિવર્સિટીના રાજ્ય-શાસ્ત્રના પ્રોફેસર એમ.એમ. સેમવાલનું કહેવું છે.

પાક.થી આવેલાં 200 હિન્દુ કુટુમ્બોની વીજ માટે માગ

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવીને વસેલાં લઘુમતિ હિન્દુ કુટુમ્બોએ વીજ પુરવઠાની માગણી કરતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં સાદર કરી છે. કારણ કે, ૮૦૦ જેટલા આ વસાહતીઓ છેલ્લા કેટલાંએ વર્ષોથી વીજ પુરવઠા વિહોણા રહ્યા છે. આ અરજીમાં તેમ જણાવવામાં આવ્યું છે કે, ધાર્મિક પજવણીને લીધે જ્યારે વસાહતીઓ ભારતમાં આવ્યા ત્યારે માનતા હતા કે, ભારતમાં આવવાથી તેઓનાં બાળકોને ઉજ્જવળ અને સલામત ભવિષ્ય મળશે. પરંતુ વીજ પુરવઠા વીનાની ઝૂંપડપટ્ટીના નિવાસે તેમનાં સ્વપ્નો ચકનાચૂર કરી નાખ્યાં છે.

આ પછી દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર અને તાતા-પાવર પાસે જવાબ માગ્યો છે.

રાજસ્થાન સરકારનો નવો કાયદો

વમળો જણાવે છે : ભાજપ તે કાનૂન બાળ-લગ્ન, પ્રોત્સાહક હોવાનો આક્ષેપ મુકે છે

રાજસ્થાન વિધાનસભાએ મેરેજ-એક્ટ-૨૦૦૯માં સુધારો કરતું વિધેયક પસાર કરતાં વિપક્ષ ભાજપે તે વિધેયક બાળ-લગ્નને પ્રોત્સાહન કરનાર છે. તેવો કોંગ્રેસ ઉપર આક્ષેપ મુક્યો છે. પરંતુ અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે તે સુધારાનો બચાવ કરતાં જણાવ્યું છે કે તેણે માત્ર તે વિધેયક દ્વારા માત્ર ‘ટેકનિકલ’ ફેરફારો જ કર્યા છે. જ્યારે રાજ્યના કેટલાએ ભાજપના નેતાઓએ તે સુધારાઓને બાળ-લગ્ન વિરોધી કાનૂનના ભંગ સમાન ગણાવે છે. રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું હતું કે, ગમે તે થાય સરકાર તેનું ધાર્યું કરવા જ માગે છે. તે એક જૂનવાણી અને રૃઢીવાદી સુધારો છે, તેથી માત્ર બાળ-લગ્નની ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.’ તેમ કહેતાં તેઓએ જણાવ્યું હતું કે ‘રાજસ્થાનમાં માત્ર ૧૪ વર્ષની જ છોકરીઓને પરણાવી દેવામાં આવે છે. રાજ્યમાં એવા કેટલાએ લોકો છે કે તે જાણતા પણ નથી કે ‘એ ગેરકાયદે છે.’

થોડા સમયમાં જ મહિલાઓ દિલ્હીમાં e-ઓટો ચલાવશે

દિલ્હીમાં પહેલી જ વાર મહિલાઓ e-ઓટો ઈલેક્ટ્રિક ઓટો રીક્ષા ચલાવતી જોવા મળશે. અને તે થોડા સમયમાં જ બની રહેશે. કારણ કે દિલ્હી સરકારે ૪૦૦૦ ઇ-ઓટો માટે પરવાનગી આપી છે. જે પૈકી ૩૩% મહિલાઓ માટે અનામત રાખી છે. ઉપરાંત નગર વહીવટી તંત્ર હવેથી માત્ર ઈલેક્ટ્રિક ઓટોને જ CNG ઓટોના સ્થાને મુકનાર છએ. આ CNG ઓટો છેલ્લા બે દાયકાથી પેસેન્જર્સ લઈ ફરતી રહી છે.

આ સંબંધે વાહન વ્યવહાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર મંત્રી કૈલાશ ગેહલોતે મહિલા ઓટો ડ્રાઈવર્સ માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આગામી મહિનાથી દિલ્હીમાં કુલ ૪૨૬૧ ઓટો પરમીટ અપાશે. જે પૈકી ઓછામાં ઓછી ૧૪૦૬ પરમીટ મહિલાઓ માટે અનામત રખાશે. અત્યારે માત્ર એક જ મહિલા ઓટો ડ્રાયવર છે સુનિગ ચૌધરી.

– ઈન્દર સાહની

Source link

Leave a Reply