દિલ્હીની વાત : મોદીને 'મજબૂત નેતા' તરીકે સ્થાપિત કરાશે

ભાજપ હાઈકમાન્ડ દ્વારા ભાજપ સંગઠનને ‘મજબૂત નેતા’ની મોદીની ઈમેજને પુનર્સ્થાપિત કરવા ફરમાન કરાયું છે. મોદી સરકાર પણ આ માટે કેટલાંક નક્કર પગલાં ભરશે જ પણ સંગઠન પૂરી તાકાતથી લાગી પડે તો વધારે ફાયદો થશે એવું હાઈકમાન્ડનું માનવું છે.

હાઈકમાન્ડ માને છે કે, મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી તેના કારણે તેમની કોઈની સામે નહીં ઝૂકનારા ‘મજબૂત નેતા’ તરીકેની ઈમેજને ફટકો પડયો છે. આ ઈમેજ પાછી સ્થાપિત નહી કરાય તો ભાજપને રાજકીય રીતે ફટકો પડી શકે છે એવું હાઈકમાન્ડનું માનવું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેનાં સંગઠનોને પણ આ ક્વાયતમાં મદદ કરવા કહેવાયું છે. સંઘના નેતા મોદીની વિરૂધ્ધ નથી બોલતાં પણ સંઘનાં બે સંગઠનો ભારતીય કિસાન સંઘ અને ભારતીય મઝદૂર સંઘ કૃષિ કાયદા સહિતની મોદીની નીતિઓથી નારાજ હોવાથી સતત સરકાર વિરોધી નિવેદનો આપ્યા કરે છે. સંઘના નેતાઓને આ બંને સંગઠનોને હાલ પૂરતાં ચૂપ રહેવા માટે સમજાવી દેવાનો મેસેજ  પણ આપી દેવાયો છે.

સોનિયાનો છેલ્લી ઘડીએ મમતાને મળવા ઈન્કાર

દિલ્હીની મુલાકાતે આવેલાં મમતા બેનરજી અને સોનિયા ગાંધી વચ્ચે આ વખતે મુલાકાત નહીં થાય. સૂત્રોનો દાવો છે કે, મંગળવારે સોનિયાને મળવાની મમતાએ ઈચ્છા દર્શાવી હતી પણ સોનિયાએ ખરાબ તબિયતનું બહાનું કાઢીને મુલાકાતને ટાળી દીધી. લાંબા સમય પછી એવું બન્યું છે કે, મમતા દિલ્હી આવ્યાં હોય ને સોનિયાને ના મળ્યાં હોય.

સૂત્રોના મતે, મંગળવારે સવારે મમતાએ સોનિયા સાથે ફોન પર વાત કરી ત્યારે સાંજે સોનિયાના નિવાસસ્થાને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોનિયાએ એ વખતે ઈન્કાર નહોતો કર્યો પણ બપોર પછી સોનિયાની ઓફિસમાંથી ફોન કરીને મેડમ નહીં મળી શકે એવો મેસેજ મમતાને પાઠવાયો હતો. મમતાની પાર્ટી કોંગ્રેસના નેતાઓને એક પછી એક તોડી રહી છે આ સંજોગોમાં મમતા તરફ કડક વલણ દાખવવું જરૂરી હોવાનો મત સલાહકારોએ વ્યક્ત કરતાં સોનિયાએ ઈન્કાર કરી દીધો.

મમતા પણ ગાંજ્યાં જાય તેમ નથી. મમતાએ મંગળવારે જ કીત આઝાદને કોંગ્રેસમાં આવકારીને વળતો જવાબ આપી દીધો. પહેલાં આઝાદ બુધવારે કોંગ્રેસમાં જોડાવાના હતા.

તેજસ્વી-ચિરાગના જોડાણનો તખ્તો તૈયાર

બિહારમાં તેજસ્વી યાદવની આરજેડી અને ચિરાગ પાસવાનની એલજેપી વચ્ચે જોડાણનો તખ્તો તૈયાર છે. એલજેપીના રાજ્ય સંસદીય બોર્ડે તો આ અંગેનો ઠરાવ પણ પસાર કરીને ચિરાગને મોકલી આપ્યો છે. તેજસ્વીએ બિહાર વિધાન પરિષદની ૨૪ બેઠકોમાંથી છ બેઠકો એલજેપીને ઓફર કરતાં બિહાર એલજેપી જોડાણની તરફેણમાં છે.

હાલમાં બિહાર વિધાન સભામાં એલજેપીનો એક પણ ધારાસભ્ય નથી. તેજસ્વીના કારણે વિધાનસભામાં એલજેપીનું પ્રતિનિધિત્વ થઈ જશે તેથી બિહારના નેતા આ ઓફર સ્વીકારી લેવા કહી રહ્યા છે. સૂત્રોનો દાવો છે કે, ચિરાગ પોતે પણ આ ઓફરને નકારી શકે તેમ નથી તેથી એલજેપીના સ્થાપના દિને ૨૮ નવેમ્બરે આ જોડાણની સત્તાવાર જાહેરાત કરી દેશે.

સૂત્રોના મતે, ચિરાગને આશા હતી કે પોતે મોદી તરફ બતાવેલી ભક્તિના કારણે ભાજપ એલજેપીને ફરી એનડીએમાં લઈ લેશે પણ ભાજપે ચિરાગના બદલે તેના કાકા પશુપતિ પારસમાં રસ બતાવતાં ચિરાગનો ભ્રમ ભાંગી ગયો છે. રાજકીય અસ્તિત્વ ટકાવવા ચિરાગને હવે મજબૂત સાથીની જરૂર છે જ અને તેજસ્વીએ સામેથી એ ભૂમિકા ભજવવાની તૈયારી બતાવી છે.

ટિકૈતે પેંતરો બદલતાં ભાજપમાં ચિંતા વધી

કૃષિ કાયદા રદ થતાં રાકેશ ટિકૈતે બદલેલા પેંતરાથી ભાજપમાં ચિંતાનો માહોલ છે. ટિકૈતે હવે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કાયદેસરતા આપવા માટે કાયદો લાવવાની માંગ સાથે ઝંડો ઉઠાવ્યો છે. ટિકૈતે ઘઉં અને ચોખા જ નહી પણ તમામ પાક માટે એમએસપી જાહેર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવા માંગ કરી છે. આ માગના સમર્થનમાં ટિકૈતે સોમવારે લખનઉમાં કાઢેલી રેલીમાં હજારો ખેડૂતો ઉમટી પડતાં ભાજપની ચિંતા વધી છે.

ટિકૈતના ઈશારે રવિવારે મળેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આ માગ સાથે કુલ છ માગનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખાયો હતો. આ માગણીઓ ના સંતોષાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાય એવી જાહેરાત પણ મોરચાએ કરી છે.

ભાજપનું માનવું છે કે, ટિકૈત પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા ઉધામા કરી રહ્યા છે. યુપીની ચૂંટણી સુધી ટિકૈત આંદોલન ચાલુ રાખવા માગે છે કે જેથી ભાજપને નુકસાન કરી શકાય. મોરચાએ મૂકેલી છ માંગ સંતોષાય એમ નથી તેથી ટિકૈતને ખેડૂતોના નામે લડવા માટે નવું બહાનું મળી ગયું છે.

પંજાબ-રાજસ્થાન પછી છત્તીસગઢમાં ઓપરેશન

પંજાબમાં મુખ્યમંત્રી બદલીને અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને કદ પ્રમાણે વેતર્યા પછી કોંગ્રેસ હાઈકમાન્ડ હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સીધા કરવા માગે છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, હાઈકમાન્ડ બઘેલને ખસેડીને ટી.એસ. સિંહદેવને મુખ્યમંત્રી બનાવીને પોતાનો સિક્કો જમાવવા માગે છે.

રાહુલ-પ્રિયંકાનું માનવું છે કે, પાયલોટ સાથે થયેલા સમાધાન પ્રમાણે વર્તવાની ગેહલોતને ફરજ પાડી તેના કારણે કાર્યકરોનો પક્ષની નેતાગીરીમાં વિશ્વાસ વધ્યો છે. સાથે સાથે મેસેજ પણ ગયો છે કે, કોંગ્રેસમાં કોઈ નેતાની મનમાની ચાલતી નથી.

હવે સિંહદેવને ગાદી પર બેસાડવાથી સ્પષ્ટ મેસેજ જશે કે હાઈકમાન્ડ પોતે આપેલું વચન ગમે તે ભોગે પાળવામાં માને છે. તેના કારણે ગમે તેવો મોટો નેતા નારાજ થાય તો પણ કોંગ્રેસને તેની ચિંતા નથી.

સૂત્રોના મતે, બઘેલને આવતા અઠવાડિયે દિલ્હી બોલાવીને સિંહદેવ માટે જગા કરવાનું કહી દેવાશે. રાહુલ-પ્રિયંકાના કેટલાક સલાહકારો યુપીની ચૂંટણી પતે ત્યાં સુધી રાહ જોવાના મતના છે પણ રાહુલ-પ્રિયંકા લોઢું ગરમ છે ત્યારે હથોડો મારી દેવાના મતનાં છે.

વસુંધરાની યાત્રા શરૂ, હાઈકમાન્ડને ઘોળીને પી ગયાં

વસુંધરા રાજેએ ભાજપ હાઈકમાન્ડના આદેશની ઐસીતૈસી કરીને મેવાડ-મારવાડની ચાર દિવસની યાત્રા શરૂ કરતાં ભાજપની જૂથબંધી ફરી સપાટી પર આવી ગઈ છે. વસુંધરા પોતાની યાત્રા દરમિયાન કેટલાંક જાણીતાં મંદિરોની મુલાકાત લેશે. સાથે સાથે કોરોનાના કારણે મોતને ભેટેલા ભાજપના કાર્યકરોના પરિવારજનોને પણ મળશે.

વસુંધરા ચિત્તોડગઢ, ઉદયપુર, બાંસવાડા, રાજસમંદ, ભિલવાડા અને અજમેર એ છ જિલ્લાની યાત્રા કરશે. અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવીને પોતાની યાત્રાનું સમાપન કરશે. પોતાનાં પુત્રવધૂ સાંવલિયા શેઠ એટલે કે શામળાજીની કૃપાથી બચ્યાં હોવાથી યાત્રા પર જવાની વસુંધરાએ જાહેરાત કરી હતી. આ અંગે પ્રદેશ પ્રમુખ સતિષ પુનિયાએ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી.

વસુંધરા પક્ષને નહીં પણ પોતાને મજબૂત કરવા મથી રહ્યાં છે એવી પુનિયાની ફરિયાદ હતી. તેના પગલે હાઈકમાન્ડે પ્રદેશ પ્રભારીના માધ્યમથી વસુંધરાને યાત્રા મોકૂફ રાખવા કહેવડાવ્યું હતું. વસુંધરાએ આ ફરમાનને ઘોળીને પી જઈને યાત્રા શરૂ કરી દીધી છે. વસુંધરાનું કહેવું છે કે, પોતાની યાત્રાને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. પોતે રાજનીતિ અને ધર્મનીતિને હંમેશાં અલગ રાખે છે.

***

સંસદના સત્રારંભ પહેલાં વિપક્ષી બેઠકની શક્યતા ઓછી!

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે તંગદિલીના ઉકળતા ચરૂએ ૨૯ નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર અગાઉ ૧૮ વિપક્ષોની મહત્વપૂર્ણ બેઠકના આયોજનને વિખેરી નાખ્યું છે. આથી ત્રણ દિવસથી પાટનગરમાં પડાવ નાખીને રહેલાં તૃણમૂલના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે એવી શક્યતા ઓછી છે.

૨૦ ઓગષ્ટ પછી બે નેતાઓ  આ પ્રકારે બીજીવાર મળવાનાં હતાં. એના બદલે વિપક્ષોના સંસદીય નેતાઓ સત્ર દરમિયાન સંસદમાંની વ્યૂહરચનાની ચર્ચા માટે મળશે. એમસીપીઆઇ (એમ) ના મહામંત્રી અને વિપક્ષોની અગાઉની બેઠકના એક મુખ્ય આયોજક સીતારામ યેચુરિએ કહ્યું.

સર્વપક્ષીય બેઠક : વિપક્ષો માટે કૃષિ- કાયદા મહત્વપૂર્ણ

આગામી ૨૮ નવેમ્બરે યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓના નિર્દેશાનુસાર, સંસદના શિયાળુ સત્ર દરમિયાન કૃષિ-કાયદાને પાછા ખેંચવા માટેનો ખરડો રજૂ થશે ત્યારે તેઓ પૂર્ણ કક્ષાની ચર્ચા અને કૃષિ – કાયદા પાછા ખેંચવાના પરિણામો વિષે માહિતીની માગણી કરશે.

સર્વપક્ષીય આ બેઠકમાં રહેનારી વડાપ્રધાનની ઉપસ્થિતિએ એને વધુ મહત્વપૂર્ણ બનાવી છે, એમ એક વિપક્ષી નેતાએ કહ્યું. ”અમે કૃષિ – કાયદા પાછા ખેેંચવામાં ૭૦૦ ખેડૂતોના મોત સહિત વર્ષ શું કામ નીકળી ગયું?” જેવા અનેક પ્રશ્નોના જવાબો માંગવાના છે, એમ એમણે ઉમેર્યું.

યુપીએ શાસનની ટીકા કરતા કોંગ્રેસી નેતા

કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ એમના છેલ્લામાં છેલ્લા પુસ્તકમાં ૨૬-૧૧ ના મુંબઇ ત્રાસવાદી હુમલા અંગે યુપીએ સરકારે આપેલા પ્રતિભાવની ટીકા કરતા જણાવ્યું છે કે સંયમ (રાખવો) એ કંઇ તાકાત (હોવા)ની નિશાની નથી. ભારતે ત્રાસવાદી હુમલો થયા પછી ઝડપથી વળતા કાર્ય (એક્શન) રૂપે પગલાં લેવા જોઇતા હતા. ભાજપે મંગળવારે પુસ્તકના અંશોને ટાંકીને આક્ષેપ કર્યો કે મહાન જૂના પક્ષ (કોંગ્રેસ) ના નેતૃત્વવાળી યુપીએ સરકારે મુંબઇ ત્રાસવાદી હુમલો થયાં પછી એનો મજબૂતાઇથી વળતો જવાબ નહિ આપીને રાષ્ટ્રીય સુરક્ષાને માથે જોખમ ખડું કરી દીધું હતું.

તિવારીએ ૨ ડિસેમ્બરે જેનું લોકાર્પણ થવાનું છે એ ‘૧૦ ફ્લેશપોઇન્ટસ : ૨૦ વર્ષો’ નામના એમના પુસ્તકમાં છેલ્લા બે દાયકામાં જેણે ભારત પર અસર કરી છે એ સલામતીની પરિસ્થિતિની ચર્ચા છેડી છે. તિવારી, કોંગ્રેસ પક્ષની કાયાપલટ અને પક્ષના પ્રત્યેક હોદ્દા માટે ચૂંટણીની માગણી સહ સોનિયા ગાંધીને પત્ર લખનાર ૨૩ કોંગ્રેસી નેતાઓમના જૂથ ગૃપ ઓફ ૨૩ ના સભ્ય છે.

કેજરીવાલના અનંત વચનો, પણ એનાથી મત કેટલા મળશે?

ટૂંક સમયમાં જયાં રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે એ રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના ભાષણોના કેન્દ્રમાં ભારે ભરખમ વચનો રહેલા હોય છે પરંતુ નિરીક્ષકોને વિમાસણ એ છે કે કેજરીવાલના વચનો, એમના માટે મત કેટલા ખેંચી લાવશે? કેજરીવાલે, જો ઉત્તરાખંડમાં આપને સત્તા મળશે તો એ નિ:શુલ્ક યાત્રા-પ્રવાસની જોગવાઇ કરશે એવું વચન આપ્યું છે. વળી,આ યોજના અંતર્ગત હિંદુઓને અયોધ્યા, મુસ્લિમોને અજમેર શરીફ, જ્યારે શીખોને કરતારપુર સાહિબ ખાતે લઇ જવાશે.

જો આપ પંજાબની ચૂંટણીમાં જીતશે તો એ ત્યાંની પ્રત્યેક મહિલાને દર મહિને ૧૦૦૦ રૂપિયાનું ચૂકવણું કરશે એવું વચન આપ્યું છે. કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચેન્નીના નામનો ફોડ પાડયા વિના એમને ‘બનાવટી કેજરીવાલ’ ગણાવીને એમના પર (ચેન્ની પર) એમના જેવા (કેજરીવાલ જેવા) વચનોની નકલ કરવાનો પરંતુ એને પરિપૂર્ણ નહિ કરવાનો આક્ષેપ કર્યો છે.

કેજરીવાલે ગોવામાં એમનો પક્ષ સત્તા પર આવે તો સ્થાનિક નાગરિકો માટે નોકરી, ખાણોના કામદારોના આશ્રિતો માટે સબસિડી, નિ:શુલ્ક વિદ્યુત, નિ:શુલ્ક યાત્રા-પ્રવાસ અને ગોવાની અત્યંત વર્ચસ્વયુક્ત જાતિના ઉમેદવારને મુખ્યમંત્રીનું પદ વગેરે કામ કરવાના વચનોની લ્હાણી કરી છે.’

ભાજપની સુસ્તીથી  સિમલા સ્વચ્છતામાં પાછળ

હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અને સીપીએમ પક્ષે, સિમલાના ધારાસભ્ય સુરેશ ભારદ્વાજ રાજ્ય સરકારમાં શહેરી વિકાસ મંત્રાલય સંભાળતા હોવા છતાં સ્માર્ટ સિટિ સિમલા સ્વચ્છતા સંબંધી રેન્કમાં પાછળ ધકેલાયું એ બદલ ભાજપ સરકાર અને એ પક્ષ દ્વારા શાસિત સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝાટક્યા છે.

હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કુલદીપસિંઘ રાઠોડે કહ્યું કે શાસક પક્ષ, લોકોનું ધ્યાન મુખ્ય બાબતો પરથી હટાવવા માટે ફક્ત મોટા વચનો આપવામાં રાચે છે.

સિમલાવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે એ ધ્યાન જ આપતો નથી. ”સિમલાની જળ પૂરવઠા પધ્ધતિમાં કોઇ સુધારો નથી, માર્ગો ભંગાર છે અને ટ્રાફિક વ્યવસ્થા સાવ કંગાળ છે. ભાજપ શાસિત સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન એની મંજૂર થયેલી સ્કીમો માટેના નાણાં વાપરી શક્યું નથી. સ્માર્ટ સિટિનું કામ સમયસર પૂરૂં થવા બાબત અમારાં સૌના મનમાં શંકા ઊભી થઇ છે.” એમ એમણે જણાવ્યું.

મમતા પ.બંગાળ માટે રોકાણ મેળવવા મુંબઇ જશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એમના રાજ્યમાં રોકાણકારોને આકર્ષવાની ક્વાયતના ભાગરૂપે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ માટે મુંબઇની મુલાકાત લે એવી શક્યતા છે.

આગામી એપ્રિલના ત્રીજા સપ્તાહમાં યોજાનારી બેંગાલ  ગ્લોબલ બિઝનેસ સમિટ અગાઉ રોકાણકારોની મુલાકાતે મુખ્યમંત્રી મુંબઇ જઇ રહ્યાં છે. બિઝનેસ સમિટ એક વર્ષ પછી મળશે. ગયા વર્ષે કોરોનાના લીધે એ યોજાઇ શકી નહોતી.

નાગરિકતા સુધારણા કાયદો પાછો ખેંચવા વધતી માગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત પછી હવે કેટલાક મુસ્લિમ સંગઠનો અને સિવિલ સોસાયટીના સભ્યો સરકાર સમક્ષ નાગરિકતા (સુધારણા) કાયદો (સીએએ) ને પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. બસપાના અમરોહાના સાંસદ કુંવર દાનિશ અલીએ વિના વિલંબે સીએએને રદ કરવાની માગણી કરી છે. 

– ઇન્દર સાહની

Source link

Leave a Reply