પેગાસસ જાસૂસીકાંડ મામલે સુપ્રીમ કોર્ટ સખત


– સર્વોચ્ચ અદાલત પેગાસસ જાસૂસીકાંડ મામલે તપાસ એક્સપર્ટ કમિટીની રચના કરશે

– વિપક્ષોએ દેશના અનેક પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને નેતાઓની જાસૂસી કરવાના આરોપ સરકાર પર મૂક્યાં છે પરંતુ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ ધરીને પેગાસસ મામલે સ્પષ્ટીકરણ કરવા તૈયાર નથી

સુપ્રીમ કોર્ટ પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ કરવા માટે નિષ્ણાંતોની એક સમિતિની રચના કરશે. અગાઉ કેસની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે આ મામલે સોગંદનામુ રજૂ કરી શકે એમ નથી. સુપ્રીમ કોર્ટે સરકારને તીખા સવાલ કર્યાં હતાં કે આ મામલે મૌલિક અધિકારનું ઉલ્લંઘન થયું છે કે નહીં એ અંગે સરકાર સ્પષ્ટતા કરે. 

સરકાર લોકોની જાસૂસી કરી રહી હોવાના વિપક્ષના આરોપ

થોડા સમય અગાઉ ઇઝરાયેલના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા જુદા જુદા દેશોની સરકારો દ્વારા પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને નેતાઓની જાસૂસી કરવાના ખુલાસાએ દેશ અને દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ભારતમાં પણ પેગાસસ જાસૂસી કાંડને લઇને વિપક્ષો ભારે આક્રમક બન્યાં હતાં અને સંસદના મોનસૂન સત્રની કામગીરી ખોરવી નાખી હતીં. વિપક્ષોએ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી પરંતુ કેન્દ્ર સરકારે આ રિપોર્ટને પાયાહિન ગણાવીને સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કર્યો હતો. એ પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 

હકીકતમાં આ પહેલી વખત નથી કે કોઇ સરકાર ઉપર વિરોધીઓના ફોન ટેપ કરવાના આરોપ લાગ્યા હોય. અવારનવાર દુનિયાભરના દેશોની સરકારો ઉપર વિરોધીઓની જાસૂસી કરવાના આરોપ મૂકવામાં આવે છે અને સરકારો આવા દાવાને રદિયા આપતી રહે છે. કઠણાઇ એ છે કે આરોપ અને પ્રત્યારોપમાં સત્ય કદી બહાર આવતું નથી. ખરેખર તો વૈશ્વિક સ્તરે એવા કોઇ સાઇબર કાયદા નથી કે સરકારોને લોકોની જાસૂસી કરતા રોકવામાં આવે. ઇન્ટરનેટના આ આધુનિક યુગમાં કોઇની પણ પ્રાઇવસી સલામત નથી.

ઇઝરાયેલનો પેગાસસ સ્પાયવેર સ્માર્ટફોનને હેક કરે છે

ઇઝરાયેલની એનએસઓ નામની કંપની દ્વારા બનાવવામાં આવેલો પેગાસસ નામનો સ્પાયવેર અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે. એનએસઓના દાવા અનુસાર પેગાસસ સ્પાયવેર માત્ર જુદાં જુદાં દેશોની સરકારોને જ વેચવામાં આવે છે અને કંપનીના જણાવ્યા અનુસાર આ જાસૂસી સોફ્ટવેર માત્ર ૩૭ દેશોની સરકારોને વેચવામાં આવ્યો છે અને ભારત પણ એમાં સામેલ હોવાનું કહેવાય છે.

વર્ષ ૨૦૧૦માં સ્થાપવામાં આવેલી એનએસઓ કંપનીએ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે તેઓ આ ટેકનિક માત્ર જાસૂસી અને કાનૂની એજન્સીઓને જ વેચે છે અને આ સોફ્ટવેરનો ઉદ્દેશ ગુનાખોરી અને આતંકવાદી ગતિવિધિઓથી લોકોને બચાવવાનો છે.

પેગાસસ સ્પાયવેર દ્વારા લોકોના સ્માર્ટફોનને હેક કરીને તેમની જાસૂસી થઇ શકે છે. પેગાસસ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૬માં કેટલાંક સંશોધકોએ કહ્યું હતું કે પેગાસસ સ્પાયવેર દ્વારા સંયુક્ત આરબ અમીરાતમાં સરકારનો વિરોધ કરતા એક કાર્યકરની જાસૂસી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ વૉટ્સએપએ વર્ષ ૨૦૧૯માં એનએસઓ પર કેસ કર્યો હતો કે કંપનીની જાણ બહાર પેગાસસ દ્વારા તેના ગ્રાહકોની જાસૂસી થઇ રહી છે. વૉટ્સએપની માલિક ફેસબુકે અમેરિકામાં કેસ કરતા દાવો કર્યો હતો કે પેગાસસ સ્પાયવેર દ્વારા દુનિયાભરમાં ઓછામાં ઓછા ૧૪૦૦ જણાના સ્માર્ટફોનમાં વૉટ્સએપ દ્વારા ગેરકાયદેસર જાસૂસી કરી હતી. 

સામાન્ય રીતે સ્માર્ટફોનને હેક કરવા માટે સ્પાયવેરે ફોનમાં ઘૂસણખોરી કરવી પડે છે. પેગાસસ સ્પાયવેર એટલો એડવાન્સ્ડ છે કે તેને ફોનમાં ઘૂસવા માટે કોઇ લિંક ઉપર ક્લિક કરવાની પણ જરૂર નથી પડતી. કોઇના સ્માર્ટફોનમાં આ સ્પાયવેર ઘૂસાડવો હોય તો માત્ર એક મિસ્ડ કૉલની જરૂર પડે છે. મિસ્ડ કૉલનો જવાબ ન આપવામાં આવે તો પણ પેગાસસ સ્માર્ટફોનને પોતાના કાબુમાં લઇ લે છે અને વ્યક્તિની દરેક હિલચાલ પર નજર રાખે છે અને જાસૂસી કરી રહેલી વ્યક્તિ કે એજન્સી સુધી પહોંચાડે છે. 

ફોનની અંદર ઘૂસણખોરી કર્યા બાદ પેગાસસ ફોન કૉલ, એસએમએસ, વૉટ્સએપ મેસેજ, ઇમેલ, બ્રાઉઝર હિસ્ટ્રી, પાસવર્ડ જેવી દરેક માહિતી ચોરી શકે છે. એન્ક્રિપ્ટેડ મેસેજ પણ બચી શકતા નથી. એટલું જ નહીં, સ્માર્ટફોનના કેમેરા અને માઇકને પણ કાબુમાં લઇને તે આસપાસ ચાલી રહેલી ગતિવિધિ પણ રેકોર્ડ કરી શકે છે. સોફ્ટવેર તમામ માહિતી વાઇફાઇ કે મોબાઇલ ઇન્ટરનેટ દ્વારા ફોનની બહાર મોકલી શકે છે. આ સ્પાયવેર ફોનની અંદર અદૃશ્ય રહે છે અને ફોનને ધીમો પણ નથી કરતો કે જેથી કોઇને શંકા જાય. આ સ્પાયવેર વખત આવ્યે જાતે જ નષ્ટ થઇ શકવાની ક્ષમતા પણ ધરાવે છે. 

સાઇબર ક્રાઇમનું જોખમ વધી રહ્યું છે

જેમ જેમ સાઇબર દુનિયા વિશાળ બની રહી છે તેમ તેમ સુરક્ષાની સમસ્યા પણ વધી રહી છે. આધુનિક સમયમાં સાઇબર વર્લ્ડ લોકો માટે જરૂરી બની રહ્યું છે પરંતુ તેની સાથે જોડાયેલા ભયસ્થાનો ઓછા થવાનું નામ નથી લેતાં. હકીકતમાં આજે ડિજિટલ વ્યવહાર વધ્યો હોવા છતાં લોકો સાઇબર સિક્યોરિટીના મામલે સજાગ નથી. એક અંદાજ અનુસાર સાઇબર ક્રાઇમના કારણે દુનિયામાં દર મિનિટે ૨૯ લાખ ડોલરનું નુકસાન થાય છે.

વર્ષ ૨૦૧૭ના આંકડા અનુસાર સાઇબર દુનિયામાં રોજના ૭,૮૦,૦૦૦ દસ્તાવેજો હેરાફેરી અથવા ચોરી થયા હતાં. એવું નથી કે સાઇબર સિક્યોરિટી એજન્સીઓ કશું કરી શકતી નથી. કરોડોની સંખ્યામાં પહોંચેલી જુદી જુદી એપમાંથી રોજની આશરે ૨૪ હજાર સંદિગ્ધ એપ બ્લોક કરવામાં આવે છે પરંતુ આ આંકડો સાવ નગણ્ય છે. વર્ષ ૨૦૧૫માં સાઇબર ક્રાઇમના કારણે ત્રણ હજાર અબજનું નુકસાન થયું હતું અને વર્ષ ૨૦૨૧માં આ આંકડો છ હજાર અબજે પહોંચવાનું અનુમાન છે.

જે ઝડપે સાઇબર વર્લ્ડ વિસ્તરી રહ્યું છે એ ઝડપે સુરક્ષાના ઉપાયો વિકસાવવાની જરૂર છે. આ વર્ષે દુનિયાભરના કુલ પાસવર્ડનો આંકડો ૩૦૦ અબજ કરતા વધી જશે એ સંજોગોમાં આટલી મોટી સંખ્યાને સુરક્ષિત રાખવા માટેના પડકાર પણ વધી જશે. સોશિયલ મીડિયાના એકાઉન્ટનું હૅકિંગ મોટે ભાગે પાસવર્ડની ચોરી દ્વારા થાય છે. સાઇબર વર્લ્ડના ચાલબાજોને ખબર છે કે પાસવર્ડનું તાળું કઇ ચાવીથી ખૂલે છે. એટલા માટે સરળ પાસવર્ડનું અનુમાન કરવું તેમના માટે મુશ્કેલ નથી. સાઇબર વર્લ્ડમાં ૨૧ ટકાથી વધારે ફાઇલો અસુરક્ષિત છે મતલબ કે તેમના પર કોઇ લૉક નથી. 

સાઇબર સુરક્ષાના ઉપાયો પ્રયોજવા જરૂરી

કંપનીઓને પણ કોઇ ડેટા કે ફાઇલ ચોરીનો ખ્યાલ આવતા ત્રણેક મહિના લાગી જાય છે. આધુનિક કંપનીઓના આ હાલ હોય તો સામાન્ય લોકોને તો ડેટા કે ફાઇલ ચોરીનો ખ્યાલ પણ ન આવે એ સ્વાભાવિક છે. આખી દુનિયા ડિજિટલ બની રહી છે પરંતુ આ તેની કાળી બાજુ છે. સાઇબર ક્રાઇમ અને ડેટાચોરીને રોકવી આસાન નથી. નૈતિકતાના દાવા કરતી અનેક દેશોની સરકારો પણ પોતાના પ્રતિસ્પર્ધીઓનો ડેટા ચોરવામાં સંકોચ નથી અનુભવતી. ખરેખર તો સરકારોએ પોતે સાઇબર સુરક્ષાનું અભેધ કવચ તૈયાર કરવું જોઇએ.

જોકે સાઇબર સુરક્ષા માટે સરકારના ભરોસે બેસી રહેવું પણ હિતાવહ નથી. સ્માર્ટફોનના આ યુગમાં દરેક વ્યક્તિએ પોતે પોતાની સુરક્ષાના ઉપાયો પ્રયોજવા જોઇએ કારણ કે સદાયે હાથમાં રમતો સ્માર્ટફોન ક્યારે દોસ્તમાંથી દુશ્મન બની જાય એ લોકોને ખ્યાલ પણ નથી આવતો. સૌથી પહેલા તો દરેક વ્યક્તિએ સાઇબર સુરક્ષાનું મહત્ત્વ સમજવું જોઇએ અને એને સ્માર્ટફોનની જેમ જ જીવનશૈલીનો હિસ્સો બનાવી લેવો જોઇએ.

દરેક વ્યક્તિએ પોતાની ડિજિટલ ગતિવિધિઓની પૂરેપૂરી જાણકારી રાખવી જોઇએ. થોડા થોડા દિવસે પોતાના સ્માર્ટફોનની તપાસ કરવી જોઇએ કે એમાં કોઇ અજાણી એપ કે ફાઇલ તો ડાઉનલોડ નથી થઇ ગઇ ને? જો એવી કોઇ એપ કે ફાઇલ દેખાય તો એને તરત ડિલીટ કરી નાખવી જોઇએ. વપરાશમાં ન આવતી હોય એવી એપ્સ ડિલીટ કરી દેવી જોઇએ, કારણ કે એપ્સ પણ તમારો ડેટા તફડાવી શકે છે. 

સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસની સુરક્ષા માટે ફાયરવૉલ કે એન્ટિવાઇરસનો ઉપયોગ કરવો જોઇએ. ફાયરવૉલ ડિવાઇસની અંદર સુરક્ષાની એવી દીવાલ ખડી કરે છે જે ભેદવાની કોઇ કોશિશ કરે તો તેને તાત્કાલિક રોકે છે, એટલું જ નહીં, આવા કોઇ પ્રયાસની જાણ પણ કરી દે છે. ફોન ટેપિંગ કરવા માટે સ્પાયવેરને કોઇક રીતે મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવો પડે છે.  જો ફાયરવૉલ કે એન્ટિવાઇરસ મજબૂત હોય તો આવા પ્રયાસને નિષ્ફળ બનાવી શકે છે. બની શકે તો જરૂર પૂરતી એપ્સ જ મોબાઇલમાં રાખવી જોઇએ.

નિષ્ણાંતો ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતી પણ ફોનમાં ન રાખવાની સલાહ આપે છે. સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે એના જોખમ પણ વધી રહ્યાં છે. સૂતી વખતે પણ મોબાઇલ ફોન પાસે રાખનારા લોકોની પ્રાઇવસી સલામત નથી રહેવાની. આવનારા સમયમાં હેકિંગ અને જાસૂસી જેવા સાઇબર ક્રાઇમ સામાન્ય બની જશે અને એ માટે લોકોએ જાતે જ સુરક્ષાકવચ બનાવવું પડશે.

Source link

Leave a Reply