ભક્તોની ખડેપગે રક્ષા કરતા ખડે-ગણેશજી


– મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ગણેશભક્ત મુશ્કેલીમાં મૂકાય ત્યારે તેનું વિધ્ન દૂર કરવા, શ્રદ્ધાળુ આફતમાં ફસાય ત્યારે તેનું રક્ષણ કરવા અને ભક્તજનનો આર્તનાદ સાંભળતાની  સાથે જ  દોડી જતા ગણેશજી સદાય ખડેપગે તૈયાર રહે છે. પરંતુ ગણેશજીને ખડેપગે  ઊભેલા જોવા હોય તો  રાજસ્થાનના કોટા શહેરમાં  જવું પડે.  આમ તો  કોટા શહેર તેની સ્વાદિષ્ટ કચોરી, ભવ્ય મહેલો, ઉદ્યાનો અને કોટા-સાડી માટે પ્રખ્યાત છે, પણ કદાચ ઘણાને ખબર નહીં હોય કે ગણપતિજીની ઉભેલી મુદ્રામાં  શોભતી મૂર્તિના દર્શન કોટાના ખડે ગણેશજી મંદિરમાં થાય છે. સામાન્ય રીતે ગણપતિની મૂર્તિઓ સિંહાસન પર બિરાજમાન મુદ્રામાં જોવા મળતી હોય છે. પરંતુ કોટાના મંદિરમાં  ખડે-ગણેશજીના દર્શન થાય છે. આ અનોખી મૂર્તિના દર્શન કરીને શ્રદ્ધાળુઓ મનોમન કહેતા હશેઃ

ભક્તજનો ગણેશજીને

પડે પગે

એટલે રક્ષા માટે સજ્જ

રહે ખડે-પગે.

સરકારી બાબુઓના પેટની દૂર કરો બાદી તો થાય નહીં બરબાદી

છૂટથી આવે પેટ એ રાજી થઈને આપે ભેટ એવી હાથ બનાવટની એક કહેવત ક્યાંક  કાને પડી હતી. બીજી એક કહેવત છે ને કે જેને કોઈ નપહોંચે એને એનું પેટ પહોંચે.  આ કહેવત જરા જુદા અર્થમાં  લઈએ તો  જેને કબજિયાત હોય અને  પેટ સાફ આવતું ન હોય એ  પછી એવો હેરાન થાય કે પોતાના પેટને  કોસતો  ખીજમાંને ખીજમાં  અવિચારી  પગલું લઈ બેસે એવું ય બને. આવો  આક્ષેપ કોઈ આમ આદમીએ નહીં પણ મધ્ય પ્રદેશના મેડિકલ ટીચર્સ એસોસિયેશને કર્યો છે.

સાગરની ગવર્નમેન્ટ બુંદલેખંડ  મેડિકલ કોલેજના  આ એસોસિયેશને સરકારને લખેલા પત્રમાં ફરિયાદ કરી છે કે, કેટલાક સિનિયર અમલદારો કબજિયાતની તકલીફથી પીડાય છે અને હતાશામાં ડયુટી પર આવે ત્યારે તર્કહિન નિર્ણય  લેતા હોય છે. 

એટલે આ સરકારી બાબુઓને એકદમ અસરકારક રેચ આપવો જોઈએ અને માનસશાસ્ત્રીએ તેમને સલાહ આપવી  જોઈએ.  વાત મૂળ એમ હતી કે સાતમા પગારપંચને લાગુ કરવાની માગણી  સાથે મેડિકલ ટીચર્સ એસોસિયેશનના  સભ્યો ઉચ્ચ અધિકારી  પાસે ગયા, ત્યારે તેણે ડોકટરને  એવી ધમકી આપી કે હું તમને સસ્પેન્ડ નહીં કરૂં પણ રજિસ્ટ્રેશન  જ કેન્સલ  કરીશ. 

એટલે પછી મેડિકલ પ્રેકટીસ જ નહીંકરી શકો. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા એસોસિયેશનના સભ્યોએ  સરકારને પત્ર લખ્યો કે  આ કબજિયાતને કારણે સતત માનસિક તાણમાં   રહેતા સાહેબા અવિચારી નિર્ણય ન લે માટે એમને જુલાબની દવા આપવાની જરૂર છે.જે થાય દબાણમુક્ત એ થાય તાણમુક્ત. પેટ, પગાર અને પત્રનો કિસ્સો સોશ્યલ મિડિયામાં  જોરદાર વાઈરલ  થયો.  એસોસિયેશનને સૂચવેલા સરળ ઈલાજ જાણીને કહેવું પડે કેઃ

સરકારી બાબુઓના

પેટની દૂર કરો બાદી

તો પછી થાય નહીં

કોઈ બર-બાદી.

શ્રીનગરના દલ લેકમાં પહેલવહેલું તરતું એટીએમ

કાશ્મીરના શ્રીનગર સ્થિત દલ લેકની સહેલ કરી હશે  અથવા તો  આ લેકની હાઉસબોટમાં  રહ્યા હશે તેમણે શિકારામાં  રંગબેરંગી  ફૂલો અને રસદાર ફળો વેંચવા નીકળતા કાશ્મીરીઓને જોયા હશે.  

દાયકાઓ પહેલાં આવેલી હિન્દી ફિલ્મ ‘કાશ્મીર કી કલી’નું  નામ કાને પડતાંની  સાથે જ દલ લેકનો  સુંદર નઝારો અને કુદરતે છૂટે હાથે  વેરેલા કુદરતી  સૌંદર્યની ઝાંખી નજર સામે તરવરવા  લાગે.  હવે આ દલ સરોવરમાં  પહેલવહેલી  વાર  એક રાષ્ટ્રીયકૃત બેન્ક તરફથી  તરતા એ.ટી.એમ.ની  સુવિધા  આપવામાં આવી  છે. અત્યાર સુધી કાશ્મીર ફરવા આવતા  ટુરિસ્ટોએ  પૈસાની જરૂર પડે  ત્યારે શ્રીનગર શહેરમાં જવું  પડતું. પણ હવે તરતા એ.ટી.એમ.માંથી પૈસા કઢાવી શકશે.

 ઉપરાંત  હાઉસબોટમાં ટુરિસ્ટો  ઉતર્યા હોય એને   પણ કેવી  સગવડ મળી ગઈ?  કિનારે  પહોંચી  શ્રીનગર શહેરમાં  જઈ  એટીેમમાંથી  પૈસા કઢાવવાની ઝંઝટ જ નહીં. જોકે પાકિસ્તાનના પીઠબળથી હિંસાચાર  આચરતા આતંકવાદીઓના હુમલા અને ખાનાખરાબીથી કાશ્મીર સંપૂર્ણપણે  મુક્ત નથી થયું. એટલે  મોતનો ખોફ તો વાર્તાનો જ હોય છે એટલે  એ.ટી.એમ.નો બીજો અર્થ ‘એની ટાઈમ મોત’ એવો કોઈ કરે નહીં તો  સારૂં.

બાકી તો કાશ્મીર સહિત  દેશના  કોઈ પણ ભાગમાં  ધ્યાનથી  અને ચીવટથી ધંધો ન કરો અને થાપ કાઈ જાવ તો પૈસા ડૂબી જતા હોય છે. એવી જ રીતે કૈંક ચાલબાજો  રોકાણકારોના  પૈસા ડૂબાડી પરદેશ નાસી છૂટતા હોય છે. પણ  કાશ્મીરના દલ લેકમાં તો  પૈસાથી  છલોછલ  ભરેલી ‘તિજોરી’ જ તરતી રહે છે. એટલે  પૈસા  ડૂબવાનો પ્રશ્ન જ નથી. ફલોટિંગ એટીએમને  જોઈને  ‘કાશ્મીર કી કલી’નું ગીત જરા ફેરવીને ગાવાનું મન થાય કેઃ તારીફ કરૂં કયા ઉસકી જીસને, એટીએમ તૈરાયા.

વાહ! ઘર ઉપર 

દીકરીના નામ

પાપા કહતે બૈ બડા નામ કરેગા… બેટા હમારા ઐસા કામ કરેગા… ફિલ્મી ગીતમાં  ભલે એવું  કહેવાયું હોય કે બેટા હમારા ઐસા કામ કરેગા… પણ આજના જમાનામાં તો બેટીઓ હરણફાળ ભરીને ક્યાંય આગળ નીકળી ગઈ છે. જળ, જમીન અને આકાશમાં   દીકરીના નામ ઝળહળવા માંડયા છે. બેટાને છેટા મૂકી  બેટી બહુ આગળ વધી ગઈ છે.  સામાન્ય રીતે પરિવારમાં દીકરા કરતાં દીકરીને ઓછું  મહત્ત્વ અપાતું હોય છે. પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કેટલાય ગામડાઓમાં  ગ્રામજનોએ પોતપોતાના ઘરની બહાર દીકરીના નામની તક્તીઓ લગાડી છે.  

નરવત નામના ગામડાની સુનંદા લોખંડેએ તો બે  ડગલાં  આગળ વધીને દીકરીની  સાથે બે પુત્રવધૂના નામો પણ ઘરની બહાર ચમકાવ્યા છે. હવે તો આ ગામડાઓમાં પુત્રીના નામો  ઘરના પ્રવેશ દ્વાર પર લગાડવાની  જાણે હોડ લાગી છે. નરવત ગામડાની જ વાત કરીએ તો  ૨૦૦ પરિવારોએ દીકરીના નામો ઘર પર અંકિત કરી દીધા  છે. 

મુંબઈ જેવાં શહેરોમાં  હજી સુધી પુત્રીનું નામ ઘર પર લખવાની પ્રથા શરૂ નથી થઈ, પણ નાંદેડ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં   રહેતા  ગ્રામજનોના વિચારો કેવા પ્રગતિશીલ  કહેવાય? સરકાર તરફથી સૂત્ર આપવામાં  આવ્યું છેઃ બેટી બચાવ બેટી પઢાવ… આમાં ઉમેરો કરીને કહી શકાય બેટી આગે બઢાવ… દીકરી માત્ર વ્હાલનો દરિયો જ નહીં, પણ દીકરી ડહાપણનો દરિયો છે એ સહુને અહેસાસ થયો છે.

ઉગાડીને ભાજી

મનોરુગ્ણ રાજી

સ્ત્રીઓ શાક સુધારે અને ક્યારેક એમનો શક પતિને સુધારે. આપણામાં કહેવત છે કે ગાંડાના ગામ ન વસે, પણ ગામમાં ગાંડાને  વસતા કોણ રોકી શકે? માનસકિ રીતે અસ્થિર વ્યક્તિને  જોઈ ઘણાંના  મનમાં  શક થાય કે  આ વળી શું કામ કરી શકશે?  પણ આવા શકને શક્કરિયાની જેમ સુધારીને નાગપુરની  પ્રાદેશિક  મેન્ટલ હોસ્પિટલના  અનેક  મનોરુગ્ણોએ  ગજબનો  ચમત્કાર કરી દેખાડયો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને  મેન્ટલ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવે ત્યારે એવું કહેવાતું હોય છે કે  હવે આખી જિંદગી તેણે બહારની દુનિયાથી  દૂર ઊંચી દીવાલોની  પાછળ વિતાવવી પડશે.  પણ નાગપુર પ્રાદેશિક  મનોરુગ્ણાલયમાં  જુદું જ  ચિત્ર  જોવા મળે છે.

આ મેન્ટલ હોસ્પિટલમાં ૪૦ ટકા દરદી ગ્રામીણ ભાગમાંથી  આવેલા  છે. એટલે તેમને ખેતીની  તાલીમ  આપીને  તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપક્રમમાં  ટાટા ટ્રસ્ટનો  પણ સહયોગ  મળ્યો છે. દિલ દઈને કૃષિકામ કરતા મનોરુગ્ણોએ  છેલ્લાં ત્રણ વર્ષમાં  ૨૯ હજાર કિલો  શાકભાજી  અને કાળાનું વિક્રમી ઉત્પાદન  કરી સહુની આંખો ચાર કરી દીધી છે. મોટાબાગના દરદીઓ ગામડામાંથી આવે છે. એટલે તેમને  ખેતીકામ, પશુપાલન અને એવી બીજી ગ્રામજીવન સંબંધિત પ્રવૃત્તિમાં  લગાડવામાં આવ્યા પછી તેમની  માનસિક સ્થિતિમાં  ઝડપથી  સુધારો થવા માંડયો છે.

ટમેટા, પાલક, મેથી, તેમ જ પપૈયા અને કેળાનું વિક્રમી  ઉત્પાદન  મનોરુગ્ણોએ  કર્યાની દેશની આ પહેલી  જ ગર્વ લઈ શકાય  એવી  ઘટના  છે. આ શાકભાજી  અને ફળોના વેચાણમાંથી જે આવક થાય એ મનોરુગ્ણના ખાતામાં  જમા  થાય છે. શાકભાજી ઉગાડી  આ મનોરુગ્ણની માનસિક સ્થિતિ સુધરે છે અને એમણે ઉગાડેલું તાજું  શાક ખાઈને લોકોની તબિયત સુધરે છે. એટલે જ- કહેવું પડે કેઃ

મનોરુગ્ણ ઉગાડે જે ભાજી

એ ખાઈને સાજા થાય રાજી રાજી.

પંચ-વાણી

દવા કામ ન આવે

ત્યાં દુવા કામ આવે

ફોઈ કામ ન આવે

ત્યાં ફુવા કામ આવે.

Source link

Leave a Reply