યુરોપ ફરીથી કોરોનાગ્રસ્ત .


– નેધરલેન્ડ, ગ્વાડેલોપ અને બેલ્જિયમમાં લોકડાઉનનો હિંસક વિરોધઃ એક વિરોધ પ્રદર્શન સંગીતમય

– ભારતમાં પણ નવી લહેર આવશે તો જેમણે રસી નહીં લીધી હોય તેમના પર જ નિયંત્રણો લાગુ થશે?

– યુરોપમાં એક મોટો વર્ગ એવો છે જેને રસીમાં વિશ્વાસ નથી, જોકે 60 ટકાથી વધુ વસ્તીનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે

યુરોપમાં કોરોનાની ચોથી લહેર ફુંફાડા મારી રહી છે, છેલ્લા એક મહિનામાં કોવિડથી જેટલા મૃત્યુ થયા છે એમાંથી ૫૦ ટકા કરતા વધારે યુરોપમાં થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં યુરોપમાં કોવિડથી વધુ સાત લાખ મોત થઈ શકે છે. કોવિડના આક્રમણને કારણે તે અત્યારે આરોગ્યની સાથોસાથ સામાજિક સંઘર્ષમાંથી પણ પસાર થઈ રહ્યું છે.  યુરોપમાં ઘણા લોકો એવા છે જેમણે રસી લીધી નથી અને લેવા માગતા પણ નથી, તેમને રસી પર વિશ્વાસ નથી. જે લોકો રસી લઈ ચૂક્યા છે તેઓ રસી ન લેનારાઓને ભાંડી રહ્યા છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનનો પણ સડક પર ઊતરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મરીઝની ભાષામાં કહીએ તો ક્ષિતિજ પર પહોંચીને ડૂબકા ખાઈ રહેલી આ નાવ પાર ઊતરશે કે કેમ તે પ્રશ્ન છે.

પશ્ચિમ યુરોપમાં આવેલા ઓસ્ટ્રિયામાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે તેના વિરોધમાં રાજધાની વિયેનામાં ૩૫,૦૦૦ લોકો સડક પર આવી ગયા હતા. વિરોધ પ્રદર્શન કરનારા મોટાભાગે દક્ષિણપંથી વિચારધારાના રાજકીય પક્ષોના કાર્યકર હતા. તેનો એમ.એફ.જી. રાજકીય પક્ષ તો રસી લેવાનો જ ઘોર વિરોધ કરી રહ્યો છે. જેમણે રસી નથી લીધી તેવા ૮૯ લાખ લોકોને  બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓ માત્ર ઑફિસે અથવા દુકાને જઈ શકશે તથા જીવન જરૂરી ચીજો ખરીદવા જ બહાર જઈ શકશે. હાલ ૨૦ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જે જરૂર પડયે લંબાવવામાં આવશે. ૧લી ફેબુ્રઆરી ૨૦૨૨થી રસીકરણ ફરજીયાત કરી દેવામાં આવશે. 

ઉત્તર આયરલેન્ડની સરકારે નાઈટ કલબ, બાર અને રેસ્ટોરાંમાં પ્રવેશ માટે ૧૩મી ડીસેમ્બરથી વેક્સિન સર્ટિફીકેટ ફરજિયાત બનાવ્યું છે. તેના વિરોધમાં સેંકડો લોકો વિરોધમાં ઊતર્યા હતા. બેલફાસ્ટ શહેરમાં જંગી પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ સરકારના પગલાંની તુલના નાઝી જર્મનીની કાર્યવાહી સાથે કરી હતી. ક્રોએશિયાની રાજધાની ઝાગરેબમાં હજારો લોકો ધર્મ તથા રાષ્ટ્રના ઝંડા સાથે નીકળી પડયા હતા. તેઓ રસીકરણનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સરકાર દ્વારા લાદવામાં આવેલા અંકુશને આઝાદી છીનવનારું પગલું ગણાવ્યું છે. 

નેધરલેન્ડમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું હતું. તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કરી આગજની ફેલાવી. ત્યાં સતત બે દિવસ તોફાન થયા. રોટરડમ શહેરમાં  કોરોનાનો ફેલાવો અટકાવવા લાદવામાં આવેલા અંકુશનો હિંસક વિરોધ કરનારા ૫૧ લોકોની ધરપકડ થઈ હતી. બ્રેડા શહેરમાં મ્યુઝિકલ પ્રોટેસ્ટ થયો હતો. શહેરના ડીસ્કજોકીઓ એક જગ્યાએ એકત્રિત થયા હતા અને સંગીત વગાડી વિરોધ કર્યો હતો. નેધરલેન્ડની સરકારે રાતે આઠ વાગ્યા પછી રેસ્ટોરા અને કલબ બંધ કરવાનો નિયમ લાગુ કર્યો છે. નેધરલેન્ડના ડીજેઝની રોજી છીનવાતી હોવાથી તેમને તે મંજૂર નથી. નેધરલેન્ડની સરકારે ત્રણ અઠવાડિયાનું આંશિક લોકડાઉન જાહેર કર્યું છે તથા રસી ન લેનારા લોકો પર  વિશેષ અંકુશ લાદવાની વિચારણા કરી રહી છે.

ઈટલીની રાજધાની રોમમાં ગ્રીનપાસ સર્ટિફીકેટના વિરોધમાં ૩,૦૦૦ લોકો રસ્તા પર આવ્યા હતા. ત્યાંની સરકારે ઑફિસ, રેસ્ટોરાં, સિનેમાગૃહ, નાટયગૃહ, ખેલકૂદના સ્થળો અને જીમ ઉપરાંત ટ્રેન, બસ તથા નૌકા વિહાર માટે ગ્રીનપાસ પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. પ્રદર્શનકારીઓમાંથી એકેયે માસ્ક પહેર્યું નહોતું. ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડનીમાં પણ ફરજિયાત વેક્સિનનો વિરોધ કરવા ૧૦,૦૦૦ લોકો  એકઠા થયા હતા. અન્ય શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયુ હતું. 

ડેન્માર્કની સરકારે કામ પર જનારા લોકો માટે કોવિડ પાસ ફરીથી ફરજિયાત બનાવ્યો છે. તેના વિરોધમાં કોપનહેગનમાં માર્ચ યોજાઈ હતી. ફ્રીડમ ફોર ડેન્માર્કના સૂત્રોચ્ચાર થયા હતા. ત્યાં બ્લેક ગુ્રપ નામનું એક ઉગ્રવાદી સંગઠન છે જે એવું માને છે કે કોરોના વાઈરસ જેવું કશું છે નહીં. તેના દ્વારા પણ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. મધ્ય અમેરિકામાં ફ્રાન્સનો ગ્વાડેલોપ ટાપુ આવેલો છે. ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન થતાં ફ્રાન્સની સરકારે સુરક્ષા દળ મોકલવું પડયું હતું. ગ્વાડેલોપમાં સતત એક અઠવાડિયા સુધી અશાંતિ રહી હતી. પોલીસ બેરિકેડ સળગાવવામાં આવી હતી. ફ્રાન્સની ૭૦ ટકા વસ્તીનું રસીકરણ થઈ ચૂક્યું છે જ્યારે  ગ્વાડેલોપમાં આ સંખ્યા માત્ર ૫૦ ટકા કરતા પણ ઓછી છે. 

જર્મનીના ચાન્સેલર અંગેલા મર્કેલે પણ કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા કડક નિયંત્રણો લાદવાની વાત કરી છે. ઓસ્ટ્રિયા અને જર્મની બંને હાલ અતિશય ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. નેધરલેન્ડ અને સ્લોવાકિયાએ રસી ન લીધી હોય એવા લોકોને બિનજરૂરી ચીજોના સ્ટોર પર અથવા શોપિંગમોલમાં જવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. સ્લોવાકિયામાં રસી ન લીધી હોય એવા લોકોને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તેઓ નોકરી અથવા કામધંધે જતાં હોય તો પણ તેમણે અઠવાડિયામાં બે વખત ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે.

બેલ્જિયમ અને યુકેમાં પણ કોવિડ કેસમાં  ભયાનક ઉછાળો આવ્યો છે. દુનિયામાં જેટલા કોરોના કેસ અત્યારે નોંધાઈરહ્યા છે તેમાંથી ૬૭ ટકા યુરોપમાં દર્જ થઈ રહ્યા છે. યુરોપમાં એકાએક આટલો ઉછાળો કેમ આવ્યો? તેના કારણો તપાસવા જેવા છે. તેનું એક કારણ લોકડાઉન ખૂલતાં નોર્મલ લાઈફ જીવવા માટે લોકોએ દાખવેલી ઘેલછા અને આ દરમિયાન બતાવેલી લાપરવાહી છે. ભારતમાં પણ આ જ સ્થિતિ છે તો સ્વાભાવિક રીતે ભારતમાં પણ કોરોનાની નવી લહેર આવી શકે છે. યુરોપમાં કોવિડના ઉછાળા માટે શિયાળો પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. શિયાળામાં કોવિડ વાઈરસ ઝડપથી ફેલાય છે એવો કોઈ પુરાવો નથી, પરંતુ શિયાળામાં લોકો વચ્ચે બિનદેખીતી રીતે ચાલતી ઈન્ટરેકશન કોરોનામાં ભાગ ભજવે છે. 

લોકડાઉનને કારણે જ્યારે લોકો ઘરમાં બંધ હોય ત્યારે જેટલી કાળજી રાખે છે એટલી શિયાળામાં ઘરમાં પુરાઈ રહેવા દરમિયાન રાખતા નથી. આ એક માનસિક ભેદરેખા છે, જે દોરવી જરૂરી છે એટલા માટે જ યુરોપમાં લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

યુરોપમાં ઉનાળામાં જાહેર કાર્યક્રમો પણ ઘણાં થયા જેમાં લોકોએ મોટી સંખ્યામાં બેરોકટોક ભાગ લીધો. યુકેના ગ્લાસગો શહેરમાં એન્યુઅલ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં ૩૦,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ યુકેની અત્યાર સુધીની સૌથી મોટી કોન્ફરન્સ બની રહી. તેમાં મોટી સંખ્યામાં ચેપ ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોન્ફરન્સ દરમિયાન તેના સ્થળની બહાર સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સિવિલ સોસાયટી સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં સભાઓ અને વિરોધ પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં. તેમાં ૧ લાખ લોકો ભેગા થયા હોવાનો અંદાજ છે.  આ કોન્ફરન્સ સમાપ્ત થયાના એક જ અઠવાડિયામાં યુકેમાં કોવિડ કેસનો ગ્રાફ ૯૦ ડીગ્રીએ ઊંચો ચડયો છે, ઉપરાંત યુરોપમાં અનેક ઉત્સવોની પણ ઉજવણી થઈ . જેમાં  એકઠી થયેલી વિશાળ મેદનીને કોવિડ કેસમાં નવેસરથી આવેલા ઉછાળા માટે જવાબદાર માનવામાં આવે છે. 

વિજ્ઞાાનીઓ અનેક વખત કહી ચૂક્યા છે કે વર્તમાન સમયમાં આપવામાં આવતી એક પણ રસી કોરોના ન થવાની  ગેરંટી આપતી નથી. હા, તેનાથી એટલું જરૂર સુનિશ્ચિત થાય છે કે તમે જો તે રસી લીધી હોય તો હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ન રહે. તે જોવા પણ મળ્યું છે. યુરોપ અને અમિરકામાં છેલ્લાં કેટલાક સપ્તાહોથી કોવિડ કેસ ઝડપથી વધી રહ્યા છે તો પણ હૉસ્પિટલાઈઝેશન અને મૃત્યુનો દર નીચો છે. ભારતમાં જ્યારે બીજી લહેર આવી ત્યારે મોટાભાગના લોકોને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હતો જે કોરોનાના અત્યાર સુધીમાં ઓળખાયેલા તમામ વેરિઅન્ટમાં સૌથી ખતરનાક છે. યુરોપમાં હજી આ વેરિઅન્ટ ફેલાયો નથી એથી પણ ત્યાં કોરોનોનું જોખમ વધુ છે. કારણ કે તેઓ હજી કોવિડના ખતરનાક વેરિઅન્ટના સંપર્કમાં આવવાના બાકી છે. 

મોટા ભાગના યુરોપમાં  ૬૦ ટકા ઉપરાંત રસીકરણ થઈ ગયું છે. રસીકરણ પછી પણ કોવિડ કેસીસ વધી રહ્યા હોવાથી રસીકરણ વિરોધી સંવેદનો વધારે જોર પકડી રહ્યા છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આ મુદ્દે હિંસક પ્રદર્શનો થયા હતા.  યુરોપમાં આ સ્થિતિ છે તો ભારતમાં આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી. શિયાળો પણ શરૂ થયો છે અને લગ્નગાળાની સીઝન પણ. આપણી બેપરવાહી કોરોનાને સામે ચાલીને નોંતરું આપવા બરાબર ગણાશે.

આજની નવી જોક

નટખટ (નટુને) : બે કાળા બલ્બ લેવા છે.

નટુઃ કાળા બલ્બનું શું કરવું છે?

નટખટઃ દિવસે અંધારું કરીને સૂવાની મજા જ કંઈક ઓર છે.

નટુઃ હેં!?

જીકે જંકશન

– એલન મસ્કની સ્પેસેક્સ કંપનીએ ભારતમાં પોતાની માલિકીની સહાયક કંપની શરૂ કરી છે. વિવેક દેવરોય પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે.

–  પીઈનીયાન પાંચમી રૂઝનાઝોરા ચેસ ટુર્નામેન્ટના વિજેતા બન્યા હતાં. હરિયાણા રાજ્ય સરકારે ઉત્તમ બીજ પોર્ટલ લોન્ચ કર્યું છે. ઇન્ડોનેશિયા નોવાવેક્સ કોવિડ-૧૯ રસીને માન્યતા આપનારુ પ્રથમ રાજ્ય બન્યું છે.

– દર વર્ષે ૨૧મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે. ૨૦મી નવેમ્બરે  વિશ્વ બાળ દિવસ મનાવવામાં આવે છે. ૧૯મી  નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ તથા આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. આ જ દિવસે ઈન્દિરા ગાંધીની જન્મજયંતી પણ મનાવાય છે. 

– દર વર્ષે ૧૭મી નવેમ્બરે રાષ્ટ્રીય આંચકી દિવસ ઉજવવામાં આવે છે.   અમેરિકાના બંધારણની દુર્લભ એવી મૂળ હસ્તપ્રતની તાજેતરમાં હરાજી થઈ હતી. તેના ૪.૩ કરોડ ડોલર ઊપજ્યા હતા.

– ક્રિસ્ટીન વરમુથ અમેરિકી સેનાની સૌ પ્રથમ મહિલા સચિવ બની છે. અમેરિકા યુએઈને પાછળ છોડીને દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ખનિજ તેલ સપ્લાયર બની ગયું છે. આ સૂચિમાં  ઈરાક પહેલાં નંબર પર આવે છે.

Source link

Leave a Reply